આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૭

છે? કાલ સવારે ચંદ્રકાન્ત આવશે તેની પાસે હું તો પ્રકટ જ છું પણ તમારે ગુપ્ત કે પ્રગટ રહેવું અનુકૂળ છે?"

કુમુદસુંદરી - "આપના મિત્ર આપના જેવા જ સાધુજન હશે. પણ મારા ચિત્તમાંથી સંસારની લજ્જા ને સંસારનો ભય ખસતો નથી. મને મરેલી કલ્પનાર માતાપિતા મને જીવતી અહીં આમ રહેલી જાણશે તો મારે માટે શી શી કલ્પના નહીં કરે? અતુલ મનોબળથી આપ જાતે શુદ્ધ રહી મારી વિશુદ્ધિનું પોષણ કરી રહ્યા છો તે કોણ માનશે ? આપણને આશ્રય આપનાર સાધુજનોની કેટલી અપકીર્તિ થશે? આ પરંપરાએ અનેક પ્રશ્નો મારા હૃદયમાં ઊઠે છે ને મને કંપાવે છે. મારાં માતાપિતા આ સર્વ જાણી કેટલાં દુખી થશે ને પોતાની પ્રતિષ્ઠાનો કેવો નાશ થયો માનશે તે વિચારુ છું ત્યારે તો હૃદય કોઈ રીતે કહ્યું નથી માનતું. મારા દુખી સસરાજી કેટલા દુખી થશે તેની કલ્પના તો કરી પણ જાય એમ નથી. સંસાર દુષ્ટ કુમુદને મૂએલી જાણે તેમાં જ સર્વનું કલ્યાણ છે."

સરસ્વતીચંદ્ર - "તમે કહો છો તે સત્ય છે ને તે પ્રમાણે કરવાનો માર્ગ તો એટલો જ છે કે ચાહો તો પરિવ્રાજિકાશ્રમમાં ને ચાહો તો ચંદ્રાવલીમૈયા પાસે તમારે આયુષ્ય શેષ ગાળવું ને આપણે ચન્દ્રકુમુદની કેવળ દ્રષ્ટિની જ પ્રીતિથી સંતોષ માનવો."

કુમુદસુંદરી - "હરિ ! હરિ ! તું જે કરે તે ખરું."

સરસ્વતીચંદ્ર - "નિરાશ ન થશો. મેં તમારા મતનું લક્ષ્ય સાધવાનો એક માર્ગ બતાવ્યો."

કુમુદસુંદરી - "આપણે ઘણો વિચાર કરી કર્યો હતો કે આપ કહો છો એવું આયુષ્ય માત્ર બે વર્ષ સુધી ગાળવું. ને તે પછીનું આયુષ્ય જુદી રીતે ગાળવું. હવે આપ કાંઈ જુદો જ માર્ગ બતાવો છો. મારું કોઈ નથી. આપ કહેશો તેમ કરવા હું તૈયાર છું."

સરસ્વતીચંદ્ર - "હું દ્વૈધીભાવ રાખી બોલતો નથી. આપણાં ખરાં નામ વિનાની આપણી સર્વ કથા સુન્દરગિરિ ઉપર પ્રસિદ્ધ થઈ ગઈ છે ને જેકાળે મારું નામ પ્રકટ થશે તે કાળે તમારું પણ વગર કહ્યે પ્રસિદ્ધ થવાનું. મને તમને જાણનાર સ્નેહી જનોને અનુમાન કરવાનું કાંઈ બાકી નહીં રહે ને તમારાં માતા પિતા તમને ઓળખી કાઢશે ને મારા સમાગમમાં