આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૧

તેણે માત્ર ત્રીશ રૂપીઆના માસિક વેતન - પગાર – થી પોતાના વ્યયનો નિર્વાહ કરવો. આ પ્રમાણે બે વર્ષ તેણે આ દેશમાં વ્યવહારમાં આવી રીતની કરકસરથી ર્‌હેતાં ને વ્યાપારીની કળાનું ઉપાર્જન કરતાં શીખવું. તે પછી તેણે ત્રણ વર્ષ યુરોપમાં કે અમેરિકામાં અથવા બે દેશમાં મળી ગાળવા ને ચાળીશ હજારની મુડીના વ્યાજમાંથી એ દેશોમાં તેણે નિર્વાહ કરવો અને વ્યાપારકળામાં નિપુણ થવું. તે પછી પૃથ્વીના બીજા કોઈ ભાગમાં એક વર્ષ, ને અંતે આ દેશમાં બે વર્ષ, ગાળવાં. એના સર્વ પ્રવાસનું યોગ્ય ખર્ચ તે આ દેશમાં હોય ત્યાં સુધી માત્ર રુપીયા ત્રીશનું અને પરદેશમાં ચાળીશ હજારના વ્યાજ જેટલું એને વેતન આપવું. આટલાં વર્ષ તેના પોતાના ધારેલા વ્યાપારમાં સિદ્ધ થવા માટે દ્રવ્યનાં કાંઈ વિશેષ સાધન, અને વ્યાપારમાં સિદ્ધ થયેલા પ્રતિષ્ઠિત ઇંગ્રેજ અને દેશી વ્યાપારીયોના આશ્રય અને અભિપ્રાય, – એટલી વસ્તુઓ એને મ્હારે અથવા મ્હારા પ્રતિનિધિ પુરુષોએ પ્રાપ્ત કરાવવી. આટલાં વર્ષની આટલી સિદ્ધિ તે પૂર્ણ પ્રયત્નથી ને સદ્બુદ્ધિથી પામ્યો છે એવો નિર્ણય થાય કે તેને ચાળીશ હજારની રકમ આપી દેવી અને તેનો તે સારો ઉપયોગ કરી પોતાનું ને દેશનું કલ્યાણ કરવા સમર્થ થાય એવો આશીર્વાદ આપવો. જો આ ઉપરાંત તે નર કોઈ બીજી દ્રવ્યોત્પાદક કળા કે શાસ્ત્રીય વિદ્યા પરદેશમાંથી પ્રાપ્ત કરી આવ્યો હોય તે ચાળીશ હજાર ઉપરાંત બીજા દશ હજાર સુધીની રકમ આપવી. આટલા તપથી સિદ્ધ થયલો વ્યાપારી આ દેશમાં અર્જુનનાં રથનાં સૂત્ર ખેંચવામાં સાધનભૂત અને સમર્થ થશે એવી મ્હારી શ્રદ્ધા છે. પોતે પારકે દ્રવ્યે સિદ્ધ થયલો વિદ્વાન્ વ્યાપારી, પોતાનું ને પુત્રાદિકનું પેટ ભરી બેસી ર્‌હેનાર કે મૂર્ખ વાસનાઓની તૃપ્તિ શોધનાર કે વ્યાજ ખાઈ અનાથ વિધવા પેઠે આળસુ ને મન્દ ગતિનો જન્તુ, નહી થાય પણ અર્જુન પેઠે ફરતો ચરતો અને અપૂર્વ અદૃશ્ય અસ્ત્રો વસાવી ફેંકતો થશે ને આ દેશની પાંચાલીની ને પોતાના ચારે ભાઈની સમૃદ્ધિઓને ઉત્પન્ન કરનાર થશે. કુમુદસુન્દરી, આવા નરો ઈંગ્રેજ હનૂમાનના સમર્થ શિષ્યો થઈ દૃષ્ટા થશે, પોતાના યુગને ઉચિત નીતિ આપશે, મ્હોટી ક્રિયાઓ રચશે, જિષ્ણુ થશે, અને પોતાના જેવા અનેક નરોને ઉભા કરશે. મલ્લમહારાજની વેધશાળામાં અર્જુનનાં પાંચે આસન છે તે આવા નરોની ક્રિયાથી આ દેશમાં ઉભાં થશે. વિદ્યાથી ઋષિ, ક્રિયાથી રાજરૂપ, ને સૌમનસ્યથી ઇન્દ્ર જેવા લોક, આ નરોની સૃષ્ટિમાં અવતાર લેવાનું ધર્મક્ષેત્ર દેખશે. ઇન્દ્ર ચરનારનો મિત્ર છે, સત્ય યુગ ચરવામાં