આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૫

આજ તેમની માત્ર સ્થૂલ દૃષ્ટિ પડે છે ત્યાં તેમની સૂક્ષ્મ દૃષ્ટિઓ પડશે અને પિતામહપુરમાં જોયેલા નાગલોકના મણિ અને વિષ ઉભયનાં સત્વ તેમને શુદ્ધ આર્ય જીવન આપશે ને અશ્વત્ત્થામાના રાફડાઓ એાગળવા માંડશે. જે પાશ્ચાત્યોની પરિણામ પામેલી બુદ્ધિના ઉગ્ર સૂર્યપ્રકાશ આગળ તેમનાં નેત્ર ઘુવડનાં જેવાં થઈ જાય છે તે પ્રકાશનું મન્દ સુધાકરસ્વરૂપ પાશ્ચાત્ય ચન્દ્રમુખીઓ આપણા લોકમાં અમૃતકિરણો દ્વારા પ્રત્યક્ષ કરાવશે. બાલક, સ્ત્રી, તરુણ, અને વૃદ્ધ – સર્વે વર્ગોના કલ્યાણના માર્ગ આ સાધનોથી આપણે યાવદાયુષ્ય શોધ્યાં જઈશું. આ પ્રયોગ રાજનગરમાં આરંભી ધીમે ધીમે સર્વ જનપદમાં – જીલ્લાઓમાં ને દેશી રાજ્યોમાં – આપણે વડની વડવાઈઓ પેઠે વિસ્તારીશું. હું તેમાં સર્વના ઉત્કર્ષનાં બીજ જોઉં છું. આપણે જોયેલા અનેક ચિરંજીવોના આશય આપણા લોકના સંસારમાં આમ સાકાર થશે. કુમુદ ! બબે વર્ષે પચાશ હજારની રકમ આ મહાકાર્યને માટે આખરે એાછી પડશે પણ તરત તેથી સારો આરંભ થશે. કુમુદ ! આ વાત એકલો સરસ્વતીચન્દ્ર કરી શકે એમ નથી. એમાં તો સિદ્ધાંગનાઓએ સંસ્કારેલી કુમુદનો જ અદ્વૈતયોગ જોઈએ. આ આપણાં જીવનનો – મ્હારી હાલની ટુંકી લક્ષ્મીવડે સાધવા યોગ્ય – મુદિત આશય તને કહી દીધો.

કુમુદ૦– આપની પાસેની લક્ષ્મીને ઓછી ગણી આપે આ અભિલાષ બાંધ્યો છે; પૂર્ણ અભિલાષ સિદ્ધ કરો તો તેમાં કેટલું સાધન જોઈએ ને કેટલા અભિલાષ કેવી રીતે સિદ્ધ કરી શકો ?

સર૦- મ્હારા પિતાની લક્ષ્મી જગત જાણે છે તેનાથી ઘણી વિશેષ છે; તે મ્હેં સ્વીકારી હત તો મ્હારા અભિલાષ બહુ ખંડિત ન થાત. પણ એ તો થઇ ચુક્યું ને ધર્મથી થયું ને તેમાં गतं न शोचामि. એ લક્ષ્મી મ્હારી પાસે આવી હત તો હું અંહી આવ્યો ન હત, અને આવ્યો ન હત તો આ સ્વપ્નોને બળે મ્હારા અભિલાષનો વિષય આ સ્થાને વધારી દીધો છે તે વધવા પામ્યો ન હત, અને એટલી બધી લક્ષ્મીને કયાં વેરવી ને કોને આપવી તેની ચિન્તા કાળ આવ્યે મ્હારા સ્વભાવ પ્રમાણે મને કાંટાની પેઠે સાલત. એ લક્ષ્મી મ્હારી પાસે હત તો હું શું કરત કે ફરી આવે તો શું કરું એ વિચાર સોમશર્માના[૧] પિતાના વિચારજેવો નિષ્ફળ છે. પણ હાલ તમને કહેલી કલ્પના કરતા પ્હેલાં મ્હારા પૂર્ણ મનોરથનો મ્હેં નકસો ક્‌હાડ્યો હતો અને તે પછી તેમાં જોઈતી લક્ષ્મીનું ગણિત ક્‌હાડતાં


  1. ૧. પંચતંત્રનો “શેખચલી”