આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩

ઝરાઓના*[૧] પ્રવાહને આ સ્થાને નિરંકુશ થવા દ્યો, તેના સ્ફાટિક આરા ઉપર આવતા સુંદર તર્ક-રાશિના કંઠના કિન્નરગાનને સ્વતંત્ર રીતે વિકાસ પામવા દ્યો, તેના ચિત્ર તટ ઉપરથી લચી રહેલી અનેકરંગી સુવાસિત પુષ્પોથી ઉભરાતી તરૂશાખાઓને જોવા દ્યો, અને એ ચમત્કારના દર્શનથી અમને પડતા રસમાં અમો રાજવર્ગના કૃત્રિમ પદને – અમારી સેવાને નિમિત્તે - અમારી શત્રુતા સારવાનો અવકાશ ન આપો. રાજત્વના બંધનમાંથી છુટી પળવાર, તમને સાધારણ પણ અમને દુર્લભ એવો, શુદ્ધ મનુષ્યત્વનો વિહાર અમે જોઈ શકીયે, તેનો રસ ભોગવીએ, અને તેનો બોધ લેઈએ એવા ગુરુ અર્થને માટે જ આ વિદુરભવન રચાયલું છે.”

ચંદ્રકાંત સ્મિત કરી બોલ્યો. “એ નવીન જાતના આતિથેયમાં પણ જે ઉદાત્તતાનું દૃષ્ટાંત સમાય છે તે મ્હારા મિત્રના ચરણ આગળ મુકું છું, અને એમને દેશી રાજ્યોમાં સર્વત્ર અનુદાત્તતાને દુર્ગન્ધ આવે છે તેનો પ્રત્યુત્તર તેમાંથી લેવા વિજ્ઞપ્તિ કરું છું. અનુદાત્તતાનું દૃષ્ટાંત દર્શાવ્યા શીવાય ઉદાત્તતાનું વ્યાખ્યાન પૂર્ણ થતું ન હતું માટે મ્હેં મ્હારા મિત્ર મિ૦ વીરરાવને એ દૃષ્ટાંત દર્શાવવાનો માર્ગ લીધો હતો. એ માર્ગ હવે સમાપ્ત થયો.”

“એ વિષયની સમાપ્તિથી હું એટલું પ્રથમ સિદ્ધ થયું ગણું છું કે રજવાડામાંથી અમારા ઉદાત્ત વર્ગનો ભાવી જન્મ હું જોઉં છું. તેને સ્થાને તેનો ગર્ભપાત જોવામાં મી. વીરરાવ ભુલ કરે છે. એ ઉદાત્તતા પરદેશી અવિશ્વાસી રાજ્યકર્તાઓથી તેમની પ્રજાઉપર દર્શાવાતી નથી તેથી તેમની દૃષ્ટિમર્યાદામાં આપણા ભણીથી રાજદ્રોહનાં સ્વપ્ન ખડાં થાય તે સકારણ છે. પણ દેશી રાજ્યમાં એ સ્વપ્નસૃષ્ટિ ઉભી કરવાનું કારણ નથી. દેશી રાજયોમાં દેશપરદેશીનો ભેદ જેવો અકારણ અને અસત્ય છે તેવું જ રાજદ્રોહનું ભય પણ અકારણ અને અસત્ય છે. આ વિષયનું વધારે વિવેચન કરવાની અગત્ય નથી, કારણ એ રાજ્યોનું રક્ષણ અને સાચવણી ઈંગ્રેજને માથે છે એટલુંજ નહી, પણ મહારાજ મલ્લરાજ જેવાની દીર્ધદૃષ્ટિ, અભિજાતતા, ઉદારતા, ક્ષમા, આદિ ઉદાત્તગુણોનું પરિણામ એ થયું કે જ્યાં આખું જગત તો શું પણ અશંકાશીલ ધૈર્યવાન સામંતસિંહ જેવા પિતાએ રાજદ્રોહ જોયો ત્યાં ત્યાં એ ઉદાત્ત મહારાજની ઉદાત્ત બુદ્ધિએ રાજદ્રોહની જાળની વચ્ચે ગુંચવાયલો રાજગુણભક્ત આત્મા જોયો. એ


  1. *स्फटिकशिलातलनिर्मलनिर्झर, बहुविधकुसुमैर्विरचितशेखर, किन्नरमधुरोन्दीतमनोहर. ઇત્યાદિ કાલિદાસના વિક્રમોર્વશી ઉપરથી.