આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪૨

જીવવાની કળા અશ્વત્થામાના રાફડાઓમાં વ્યાપી રહી છે તે અમૂલ્ય કળાનો પાશ્ર્વાત્ય સંસર્ગથી નાશ થશે તો મહાહાનિ થશે, માટે તે કળાનાં મર્મ પણ જાણી સાચવી રાખવાનાં છે. આ સર્વ કર્તવ્યમાં આ મંદિરોના અતિથિયોનો સમાગમ બોધક અને ફલપ્રદ થાય એ આપણા આશ્રમના વિદ્વાનોનું એક બીજું મ્હોટું કર્તવ્ય. એક પાસથી ધનનો ક્ષય થાય, બીજી પાસથી ધન કમાવાની કળામાં આપણા લોક હારી જાય, ત્યારે ત્રીજી પાસથી નિર્ધન જીવન ગાળવાની, નિર્ધન જીવનમાં શરીર અને સંસારના ધર્મ અને મર્મ રક્ષવાની કળા પણ નષ્ટ થાય તો આ દેશનું આયુષ્ય પુરું થયું સમજવું. પ્રિય કુમુદસુન્દરી ! પિતામહના શરીરમાંથી અર્જુનના શર છુટે કે ન છુટે, પણ તેમના કાળમાં આ દેશ સમૃદ્ધ અને સ્વતંત્ર હતો પણ હાલ નથી. માટે અશ્વત્થામાનું આયુષ્ય પુરું થાય ત્યાર પ્હેલાં તેની આવી આવી કળાઓનું જ્ઞાન આવા વિદ્વાનોના હૃદયમાં સ્ફુરે એ કામ કરવા યોગ્ય છે. આપણા લોક ક્‌હે છે કે પચાશ પાણેશો વર્ષ ઉપર આપણાં દાદા દાદીઓ અનેકધા રંક જીવન ગાળવા છતાં શરીરસંપત્તિમાં ને સુખમાં સંપન્ન હતાં એવા આજના લોકનાં માતાપિતા ન હતાં ને માતાપિતા હતાં એવા આપણે નથી ને આપણે છીયે તેવી હવેની પ્રજા નહી થાય. નવા યુગને તેવા જીવનની કળા આવડતી નથી, દ્રવ્ય કમાતાં કંઈક વધારે આવડતું હશે પણ ખરચતાં ને ખોતાં વધારે આવડે છે ! આ શું નવા યુગની વિદ્યાએ શીખવ્યું કે નવી વિસ્મૃતિયે શીખવ્યું ? નવી વિદ્યાએ શીખવ્યું હોય તો તેનું આટલું વિષ આપણે ઉતારી દેવું જોઈએ ને નવી વિસ્મૃતિએ શીખવ્યું હોય તો સ્મૃતિનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ. આપણા આશ્રમના આશ્રિત વિદ્વાનોનું આ મહાકાર્ય આપણા આ અતિથિપુરમાં અને એમની પરિવ્રજ્યાઓમાં જ સિદ્ધ થાય.”

કુમુદસુન્દરીએ એને બોલતો અટકાવ્યો, “આપના મસ્તક ઉપર હું છયાઓ ફરતી દેખું છું – અશ્વત્થામાની સ્વસ્થ થયલી છાયા ને ભગવાન પરશુરામના ચરણ ફરતા દેખું છું !”

સર૦- તમારા મસ્તક ઉપર કુન્તીમાતાનો હસ્ત ફરતો દેખું છું ને તેમનું ગાન મ્હારા કાનમાં આવે છે !

કુમુદ૦- અશ્વત્થામાની છાયાથી કંઈક છેટે ભવ્ય મણિ કોકના હાથમાં દેખું છું.

ઉંડા વિચારમાં પડી સરસ્વતીચંદ્ર બોલી ઉઠ્યો, “આ છાયાઓ તો આસ્થાનનો પ્રતાપ છે, આપણાં સ્વપ્નનો આવિર્ભાવ છે. કુમુદસુન્દરી !