આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪૭


આ ઉચ્ચાર કરતો કરતો સરસ્વતીચન્દ્ર બંધ પડ્યો. ત્યાં એની આંખો અર્ધી મીંચાઈ ને અર્ધી ઉઘાડી રહી તે માત્ર કુમુદના હૃદયભાગને જોઈ રહી એ વાણીરૂપ મટી દૃષ્ટિરૂપ થયો; જડરૂપ મટી તેજરૂપ થયો. કુમુદની પણ એ જ અવસ્થા થઈ સૌમનસ્યગુફાના ઉપલા માળના ઓટલાને એક છેડે બેઠેલા સરસ્વતીચંદ્ર ને બીજે છેડે બેઠેલી કુમુદની વચ્ચે, પૂર્ણિમાની મધ્યરાત્રિના પૂર્ણચંદ્રની ચંદ્રિકા અને મધુર પવનલહરી વિના, કાંઈ પણ પદાર્થ અન્તરાયરૂપ રહ્યો નહી અને સંસારમાત્ર એ ઓટલા નીચેના અંધકારમાં ભળી જઈ સંતાઈ ગયો.

કોઈ પણ સત્વ બેાલતું ન હતું, દેખાતું ન હતું, અને હૃદય હૃદયમાં સૂક્ષ્મરૂપે ભળી ગયું હતું તેવે આ પ્રસંગે તે એક થયેલાં હૃદયમાં માત્ર એક જ ધ્વનિ આકાશવાણીરૂપે જતો હતો.

“પુત્ર-વધૂ ! હું પાંચાલી તમારા યોગથી જાગૃત થઈ બોલું છું તે તમારા હૃદયમાં ઉતરો ! હું સર્વ ભારતવર્ષની શકિત છું, ભારતવર્ષની માતા છું ! મ્હારાં બાળક જેને પોતાના રાજાઓ અને મહારાજાએ ક્‌હે છે – તે માત્ર મ્હારાં સ્વપ્નોમાનાં પક્ષી છે ! જે લોક મ્હારી ચતુર્દિશામાંથી આવી મને અડકે છે ને , મ્હારાં બાળકનું મન્થન કરવા પ્રયત્ન કરે છે, જે લોક દેશપરદેશમાંથી આવી મ્હારા શરીર ઉપર સામ્રાજ્ય કરવાની વાસના રાખે છે, તે સર્વને મ્હારાં બાળકનું રૂપ આપી મોડી વ્હેલી મ્હારા સ્વામીની પર્ણકુટીમાં ઘોડીયામાં નાંખી હીંદોળા ખવડાવું છું ! આત્રેયી અનસૂયા દેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને બતાવેલો ચમત્કાર મ્હારા શરીરની વાસના રાખનાર સર્વ માનવીઓને, આજ સુધી મ્હેં બતાવ્યો છે ને બતાવીશ ! મ્હારા શુદ્ધ પતિ તે માત્ર પેલા પાંચ અમરવૃક્ષ પાંડવો છે ને તેનો ત્રાતા તે સર્વ લોકનો ત્રાતા જનાર્દન છે ! સુગ્રીવલોકના દેશમાંના મૂર્ખ દુર્યોધન ગમે તે બોલતા કરતા હશે, પણ એ કપિલોક તો માત્ર મ્હારા સ્વામીના રણરથ ઉપરના વિજવાહક છે ! મ્હારી કુખમાં જન્મેલાં સૂક્ષ્મ શક્તિવાળાં મ્હારાં બાળકો ! તમે આ દુર્યોધનને તેનું કર્તવ્ય શીખવતાં ડરશો નહીં ! તેની જાતિચેષ્ટા જોઈ અકળાશો નહી, પણ તેની સાથે સ્વતંત્રતાથી, ચતુરતાથી, શક્તિથી, અને સાધુતાથી વર્તી તેનામાં સુબુદ્ધિનો ઉદય કરજો ! તે લોકનો, હનૂમાન મ્હારા તમારા છત્રરૂપ ભીમસેનનો ભાઈ છે ને એની વાણીમાં