આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪૮

બળ મુકે છે[૧], મ્હારા ચક્રવર્તી પતિ અર્જુનના રથ ઉપર કીર્તિધ્વજરૂપ થાય છે ને તેના શત્રુઓનો ધ્વંસ કરે છે ! અનસૂયા દેવી જેવી મ્હારી દેહલતામાંથી એ કપિને હું સ્તન્યપાન આપું છું તો અશ્વત્થામાને પણ આપું છું ! તો મ્હારે માથે કોઈ મનુષ્ય રાજા કે મહારાજા નથી ને મ્હારા શુદ્ધ સ્વરૂપના પતિ થવા ચારે યુગમાં ને ચોખુંટ પૃથ્વીમાં કોઈ મનુષ્યની કે પ્રજાની શક્તિ નથી. કાળ જે સર્વનો નાશ કરે છે ને સ્થૂલ શક્તિવાળા રાજાઓને અને મહારાજાઓને ટુંકાં સ્વપ્ન દેખાડે છે તેણે મ્હારે માથે અમરવૃક્ષ જેવા અમરપતિ મુકેલા છે તેની જ આણમાં ર્‌હેજો ! તેને જ શોધજો ! તેને જ માટે તપ તપજો ! ચિરંજીવોમાં ચિરજીવ ભગવાન્ જગત્તત્રાતા મ્હારા મહા૫રાક્રમી પતિઓનો પાલક છે તેનું જ દાસત્વ કરજો ! તમે સ્થૂલ સૃષ્ટિને માનશો માં ! તેમ સ્થૂલ સૃષ્ટિની અવગણના કરશે માં ! સ્થૂલ દેહને સમર્થ કરી તમારાં સૂક્ષ્મ સ્વરૂપને સાચવશો તો તેને દાસત્વ કે બન્ધન કાંઈ થવાનું નથી ! સ્થૂલરૂપે સર્વે આર્યોનું અને અનાર્યોનું બન્ધુત્વ સ્વીકારજો ! તમે મ્હારે પેટ જન્મ લીધો છે તે પૂર્વકાળના યવનો અને શકલોક તેમ આ કાળના મુસલમાનો અને ઇંગ્રેજો – એ સર્વેને મ્હેં, મ્હારા ઘરનાં પારણામાં બાળક કરી તમારાં ભાઈ બ્હેન કરી હીંદોળ્યાં છે અને હીંદોળવા માંડ્યાં છે તેમની સાથે નિષ્ફળ કોલાહલ અને ક્લેશ કરશો માં ! તમારી સર્વ આશાઓને પરિપાક આપી સફળ કરે એવો મ્હેં તમને સાથ આપ્યો છે તેમાંથી છુટા પડશો માં ! તમારી સૂક્ષ્મ સાધુ શક્તિઓ તમારા સાથીઓને અને અન્ય સંસારને સિદ્ધ કરી આપો ! તમારી સ્થૂલ શકિતઓને વધારજો પણ વધતાં વધતાં પરિબળથી કે દૈવબળથી હીન થાય કે ધ્વસ્ત થાય તો પણ ચંદન જેવા તમારા સૂક્ષ્મ સમર્થ સુગન્ધને ત્યજશો માં ને હૃદયને નિર્બળ કરશે માં ! ધર્મક્ષેત્રની ભૂમિમાં વસનારાં બાળક ! મોક્ષમાર્ગને પ્રત્યક્ષ કરનારા મહાત્માઓ ! તમારી ભૂમિને માથે દુ:ખની વૃષ્ટિ થાય તો બ્હીશો માં ! દુષ્ટ પ્રાણીઓની ગર્જનાઓથી કમ્પશો માં ! અનન્ય સૂક્ષ્મ શક્તિનો અને સમૃદ્ધિનાં દાયાદો ! મ્હારા સ્વામીઓની છાયામાં ચાલશો અને આપણા ચિરંજીવોની ધર્મસંભાવના કરશો તો તમારે માટે अमर शांति છે ! – એ શાંતિ તમારે માટે જ છે. તમારા ઋષિઓની તે અમરપુત્રી કુમારી રહી તમારું જ ભગિનીકૃત્ય કરે છે ને કરશે ! તમારાં હૃદય અને બુદ્ધિ સ્વતંત્ર છે તે સ્વતંત્ર રાખજો ! તમારો સાથ એ


  1. ૧. વનપર્વ અધ્યાય ૧૫૧ શ્લોક ૧૫–૧૮.