આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૩


ગુણ૦– લોક ક્‌હે છે તે ખરું યે હોય ને ખોટું યે હોય. પ્રમાદધનની પોતાની કટેવોએ આ રાંક જાતને માથે અપવાદ આણ્યો હોય તો સંસારને જરી જરીમાં આવી વાતે સાચી માનવાની ટેવ ક્યાં નથી ? સૈાભાગ્યદેવીએ આ વાત સાચી માની નથી ને નવીનચંદ્રને કોઈએ હીન વચન કહ્યું નથી. છતાં અપવાદ સાંભળી તેમણે સુવર્ણપુર છોડ્યું. પણ જો અપવાદ સાચો હોય તો એ અપવાદને પણ ગાંઠે નહી ને સુવર્ણપુરને પણ છોડે નહીં. રાતદિવસ ઘરમાં ર્‌હેનારાં સતી સૈાભાગ્યદેવીથી એ વાત છાની ર્‌હે નહી ને તેમણે જાણી હોય તો કુમુદને માટે કલ્પાંત કરવામાં જ દેહને પાડે નહી. બુદ્ધિધનભાઈને ઘેર કુમુદનાં પગલાં દુધે ધોવાયાં છે, એણે આ અપવાદ ન સ્હેવાતાં જ જળશાયી કરી હોય તે સંભવે છે. માત્ર વ્હેમ એટલો ર્‌હે છે કે આપ ક્‌હો છો તેમ તે જીવતી હોય તે સરસ્વતીચન્દ્રને સમજાવીને આપણે ઘેર લાવ્યા વિના અને જાતે પાછી આવ્યા વિના ર્‌હે નહી.

વિધા૦- તેમ કરી શકવા જેટલો સંપૂર્ણ અવકાશ તેને ન મળ્યો હોય.

ગુણ૦– તેમ કરવામાં ખોટો અપવાદ ખરો કરવાની પણ બ્હીક એને લાગતી હોય.

વિધા૦– હોય.

ગુણ૦- આપ આજ્ઞા આપો તો હું જ સુન્દરગિરિ ઉપર જાઉં.

વિદ્યા૦- શા નિમિત્તે તું ત્યાં જઈશ ?

ગુણ૦- કુસુમને એ સ્થાનોમાં મોકલવાનું ક્‌હેલું છે તેને સાથે લેઈ હું અને સુન્દરભાભી જઈએ.

વિદ્યા૦– પણ લોકાપવાદ ખરો હશે તો ?

ગુણ૦– ખરો હશે તો આપણું ભાગ્ય ફુટયું ને મ્હારી અક્કલને આગળા દેવાયા સમજજો.

વિદ્યા૦- તને કંઈક યથાશક્તિ વિદ્યા આપી છે તેમાંથી આથી વિશેષ ફળની આશા રાખું છું.

ગુણ૦– આપે તો ઘણી આપી પણ મ્હારી અબુદ્ધિમાં તે સમાઇ નથી.

વિદ્યાધા૦- ત્હારી બુદ્ધિ ભવ્ય છે, માત્ર તે દુઃખના આવરણથી ચંપાઈ ગઈ છે.