આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૮


સૌભાગ્ય સાચવવું એ શું પતિનો ધર્મ નથી ? અનાથ બાળકોને સંસારમાં એકલાં મુકી જતાં અટકવું એ શું ધર્મ નથી ? તો એ સર્વ ધર્મનો ભંગ કરી વીરપુરુષો યુદ્ધના ધર્મની પ્રશંસા કેમ કરે છે ? બે દીકરીઓને કારણે આપ પ્રધાનપદ છોડો ને રાજ્યનું અકલ્યાણ થાય અને મહારાજ પ્રતિ કૃતજ્ઞતા થાય એ કામ પ્રધાનપદના અધિકારીની બુદ્ધિને છાજતું હોય એવું મને દેખાતું નથી. પછી મ્હારી સ્ત્રીબુદ્ધિને લીધે જ મને આમ લાગતું હોય તો ઈશ્વર જાણે.

વિદ્યા૦- “ત્હારી બુદ્ધિ સૂક્ષ્મ છે તેથી જ આ પ્રશ્નોને દેખે છે એ પ્રશ્નો જેવા સગર્ભ છે તેવું જ તેમનું સમાધાન છે. ગુણીયલ ! ધર્મ ક્રિયારૂપ નથી પણ ક્રિયાનું કારણ છે. જે ક્રિયા કર્તવ્ય થાય છે તે ક્રિયામાં ધર્મ રહેલો નથી, પણ આપણા મનમાં એવી બુદ્ધિ થાય કે આ કર્ત્તવ્ય છે ને આ નથી ત્યારે આપણે તે ક્રિયા કરીયે છીએ કે નથી કરતાં; માટે એ બુદ્ધિ એ ક્રિયાનું કારણ છે. એ બુદ્ધિ સુવિદિત શુદ્ધ સત્ય ધર્મને અનુસરે ત્યારે ધર્મસ્થ ગણવી. આપણી ક્રિયાઓ ત્રણ પ્રકારની છે.આપણે કોઈ પદાર્થનો ત્યાગ કે સ્વીકાર કરીયે છીયે, અન્ય જીવોને સુખદુઃખ કરીયે છીયે, અને આપણા જીવની અધોગતિ કે ઉન્નતિ કરીયે છીયે. આપણાં જીવનનાં સુખદુ:ખ તો આ ત્રણે ક્રિયાઓથી થાય છે માટે તે જોવાનાં કે જુદાં ગણવાનાં નથી. ત્રણે ક્રિયાઓને અંગે આપણે સુખદુઃખ પામીયે તેને પ્રારબ્ધફળ ગણી લઈ લેવાં – આ પવન જેવો આવે તેવો આપણે સંસ્કારી લેઈએ છીયે તેમ.

“જ્યારે આપણાં પોતાનાં મન કે શરીર પોતાને માટે કોઈ પદાર્થનો ત્યાગ કે રવીકાર કરે ત્યારે તું ક્‌હે છે તેવા ધર્મવિચાર પ્રાપ્ત થાય છે. જેમાં આપણી મમતા છે, જેમાં આપણી અહંતા છે એ સર્વ પદાર્થનો ત્યાગ કે સ્વીકાર કરતાં ફળનો વિચાર યોગ્ય છે કે આ મ્હારા ત્યાગથી માતાપિતાને લાભ છે અથવા દેશને લાભ છે અથવા પારકા જીવને લાભ છે. જ્ઞાતિભોજનનું વ્યય કરતી વેળા આપણે સ્વતંત્ર છીયે તેનું કારણ પણ એ કે એ ક્રિયા ધર્મવિચારની આ કોટિમાં[૧] આવે છે,

“આ પ્રમાણે પોતે ત્યાગ કે સ્વીકાર કરી અન્ય જીવોને સુખ આપવું એ આપણો અધિકાર છે. પણ કોઈ જીવને દુ:ખ દેવું કે તેનું અકલ્યાણ કરવું તો શું પણ તેની ઇચ્છાવિરુદ્ધ માર્ગે તેનું કલ્યાણ કરવા પ્રયત્ન


  1. ૧. Class, Category.