આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૧

પરતંત્ર કરવો એ ક્રિયાથી આપણી અધોગતિ સમજવી. કોઈ જીવ આપણે પેટે બાળકરૂપે જન્મ્યો માટે તેને આપણી ઇચ્છા પ્રમાણે બન્ધનમાં નાંખીયે એવો અધિકાર માતાપિતાએ ધારવાનો નથી. કુમુદ-કુસુમના જીવ હવે આમ સ્વતંત્ર છે. માટે તું અન્ય વિચાર અને દુ:ખ છોડી દેઈ મ્હેં દર્શાવેલા માર્ગનો શાંત વિચાર કરી લે.”

વિદ્યાચતુર બોલી રહ્યો ને થોડી વાર સુધી થાક્યો હોય તેમ ખુરસીમાં પડી રહ્યો ને માત્ર ગુણસુંદરીના સામું જોઈ રહ્યો. ગુણસુન્દરી ઉંડા વિચારમાં પડી બેાલ્યા ચાલ્યા વિના, બેઠી હતી ત્યાં જ, નીચું જોઈ બેસી રહી. અંતે ઉંચુ જોઈ બોલી.

“ચંદ્રકાંત મુંબઈથી આવ્યા તેવામાં તેને સરસ્વતીચંદ્રને વિષયે આપે કઠણ વચન કહ્યાં હતાં[૧] તે કાળે વૃદ્ધાચાર આપને પ્રિય હતો તે ઘણી થોડી વેળામાં અપ્રિય થઈ ગયો. આપે કરેલો બોધ અસત્ય છે એમ સિદ્ધ કરવા જેટલી મ્હારી શક્તિ નથી. પણ જુના સંપ્રદાયમાંથી નવામાં આપ આટલી વેળામાં જતા રહ્યા તેથી મને કાંઈ ભ્રાંતિ થાય છે.”

વિદ્યા૦– તેમાં ત્હારો દોષ નથી. સરસ્વતીચંદ્ર ઉતાવળ કરી નાઠા અને કુમુદને હાનિ પ્હોંચી તે સહન કરવાની અશક્તિને બળે મને કાંઈક ક્રોધ થયો હતો, અને સરસ્વતીચંદ્રનો જ દોષ મ્હારા હૃદયમાં વસી ગયો હતો. શાંત થયા પછી અને કુમુદ-કુસુમ-નાં હૃદય અને સુખદુ:ખ જાણી વિશેષ વિચાર કરતાં મને જે લાગ્યું તે તને અત્યારે કહી દીધું.

ગુણ૦- ન્હાનપણમાં બાળક પરણાવવાનો પ્રાચીન કાળથી ચાલતો આવેલો સંપ્રદાય આપ હવે દુષ્ટ ગણો છો?

વિદ્યા૦– લોકવ્યવસ્થા રચનારાઓએ આ પાળ દુષ્ટતાથી નથી બાંધી, પણ લોકહિતની જ બુદ્ધિથી દેશકાળની કંઈક પરીક્ષા કરી બાંધેલી હોવી જોઈએ. હાલમાં તે વ્યવસ્થાને બે પિતાઓ બદલી નાંખવા જાય તો એકની પુત્રી દુ:ખી થાય ને બીજાની સુખી થાય. દ્રવ્યહીન, વિદ્યાહીન,પક્ષહીન પિતાની રંક કે વિદ્યાહીન પુત્રીને આપણી જુની વ્યવસ્થા તોડ્યાથી સુખ કરતાં દુઃખ અનેકધા અસહ્ય થઈ પડે. નવી વ્યવસ્થાના અધિકારી કુટુમ્બમાં જન્મેલી બાળકી નવી વ્યવસ્થાથી દુઃખ કરતાં સુખ વધારે પામવાની. સર્વ વાત શક્તિ અને અધિકારની છે. હું નવી વ્યવસ્થાથી પુત્રીઓને સુખી કરવા શક્તિમાન છું અને પુત્રીઓ


  1. ૧. પ્રથમ ભાગ પૃષ્ઠ ૨૫૩.