આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૩


વિદ્યા૦– હવે તું ક્‌હે આપણે શું કરવું ?

ગુણ૦– મ્હેં કહ્યું છે તે પ્રમાણે અમને સર્વને સુન્દરગિરિ ઉપર જવા દ્યો. લોકાપવાદ ખોટો હશે તો તો સર્વ સારાં વાનાં જ છે. લોકનું ક્‌હેવું ખરું હશે તો મ્હારાથી કાંઈ પુત્રીને અફીણ ઘોળી પવાવાનું નથી. જો એ પસ્તાશે અને ડાહી થશે તો આપણી જંઘા ઢાંકી એને તેડી લાવી બુદ્ધિધનભાઈને ઘેર મોકલી દેઈશ ને તેમ નહી થાય તો તો વડીલની સૂચના સ્વીકાર્યા વિના છુટકો નથી. લોકાપવાદ હજી સુધી પ્રકટ નથી ત્યાં સુધી તેનો ઘા નિવારી શકાશે.

વિદ્યા૦- વચલો માર્ગ પડતો જ મુકજે.

ગુણ૦– જન્મારો સાપનો ભારો સાચવવા જેવું હવે એને સાચવવું વિકટ છે તે વિચારું છું ત્યારે હીંમત હારી જાઉં છું, ને વશે કે કવશે વડીલનું વચન પળાશે ને બાકીનું મ્હારું દુ:ખી આયુષ્ય ગળાશે તેમ ગાળી પુરું કરીશ એવું સુઝે છે. આપે બતાવેલા ધર્મ મ્હારી બુદ્ધિને સત્ય લાગે છે, અને આપને આપવા જેવા ઉત્તર મ્હારી પાસે નથી, પણ મ્હારા હઈયાની હોળી આપના બોધથી શાંત થાય એમ મને તો લાગતું નથી. આપ પુરુષ છો ને હું સ્ત્રી છું; શરીરમાં અને હૃદયમાં એટલો ભેદ તો બ્રહ્માએ ઘડ્યો તે હું શી રીતે ભાંગવાની હતી ? માત્ર એટલી બંધાઉં છું કે આપનો બોલ મ્હારા હૃદયમાં ઉતરશે તેટલો ઉતારવા પ્રયત્ન કરીશ અને પછી તો ઈશ્વર, આપ, અને આ મ્હારું દુઃખઘેલું હૃદય-ત્રણ જણ મળી જે કરો તે ખરું!”

વિદ્યા૦- એ કાંઈ ઓછું નથી. ઈશ્વર આવી વેળાએ પણ સામું જુવે છે ને જોશે.



પ્રકરણ ૪૧.
ખોવાયલાં રત્નો ઉપરની ધુળ
કાળવર્ષ વીત્યું ને મેહ ગાજ્યો,
મ્હારા હઈડાંનો ધાશકો ભાગ્યો !

રદારસિંહ ! હવે તો તમારો શોધ પુરો થઈ રહ્યો હશે.” વિદ્યાચતુર, ગુણસુંદરી પાસેથી ઉઠી, પોતાના પ્રધાન ખંડમાં જઈ ત્યાં પોતાની વાટ જોઈ બેસી ર્‌હેલા રત્નનગરીના દેશપાલને પુછવા લાગ્યો.

ઉભો થઈ પ્રણામ કરતો કરતો સરદાર બોલ્યો: “લગભગ પુરો થયો છે.”

વિદ્યા૦- હવે કંઈ ત્વરાથી તમારે જાતે જવા જેવું બાકી છે ?