આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭૪

આવ્યા, પરસ્પર ભેટવા માટે ઉછળી પડ્યા અને સરસ્વતીચંદ્ર એ ભેટ સ્વીકારે ત્યાર પ્હેલાં વીજળીની ત્વરાથી ચંદ્રકાંત સરસ્વતીચંદ્રની કોટે વળગી પડ્યો અને એની આંખોમાંની આંસુની ધારાઓ મિત્રના ખભાને ન્હવરાવી અંચળાને ભીનો કરી તેમાંથી ગેરુના નીગાળા ઉતારવા લાગી.

“Is it you, my dearest, whom I see in this plight? સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! આ શું ? છેક આમ જ ?” ચંદ્રકાંત તેને ભેટીને ગાજી ઉઠ્યો, છુટો પડી સામે ઉભો રહી, બોલ્યા વિના, મુખથી કે કંઠથી નહીં પણ નેત્રથી, નિર્ભર રોવા લાગ્યો, ને એનું મુખ અતિ રંક થઈ ગયું ને પોતાની સાથેના બાવાને ક્‌હેવા લાગ્યું.

“બાવાજી, આ જ મ્હારો મિત્ર ! આ અંચળાથી ઢંકાયો ન રહ્યો. આ હૃદયથી સંતાયો ન રહ્યો. સરસ્વતીચંદ્ર ! આ શું ?”

સરસ્વતીચંદ્રની આંખોમાં પણ પાણી ભરાયું હતું અને કણ્ઠ ગદગદ થઈ ગયો હતો.

“ચંદ્રકાંત, આ સાધુજનોની કૃપાએ મને નવો દેહ આપ્યો છે ને મ્હારા અંતરાત્માને નવો જન્મ અને નવો સંગ આપ્યો છે. તેની વાતો કરવાને ઘણો અવકાશ મળશે. આ સાધુજનો આપણા લોકમાં હરતા ફરતા બાવાઓ જેવા નથી, પણ જે ઋષિલોક આ દેશની સંપત્તિને કાળે વસતા હતા, જે ઉદાર બૌદ્ધો આર્ય દેશના ઉપદેશના મેઘને વર્ષાવવા આ દેશની ચારે પાસના દેશોમાં પરિવ્રજ્યા કરતા હતા, જે લોકના ઉચ્ચગ્રાહ ભવભૂતિ જેવાઓના ગ્રન્થોમાં આપણે પાઠશાળામાં વાંચ્યા હતા - તે મહાત્માઓના વિચાર અને આચારના કલ્યાણ અંશ આ સાધુજનોમાં અખંડ જ્યોતથી હજી દીપ્યમાન છે ! એ સાધુજનેામાં આવી હું પરમ ભાગ્યશાળી થયો છું અને મ્હારા ઉપર જે પ્રીતિ કે શ્રદ્ધા ત્હારા હૃદયમાં છે તે સર્વને સાકાર કરી આ સાધુજનોનો સત્કાર કરી લે, પછી આપણી વાતોનો અવકાશ એ જ સાધુજનોની કૃપાથી અનેકધા પામીશું.”

ચન્દ્રકાંત સાધુજનોના સામો ફરી ઉભો અને પ્રણામ કરી ક્‌હેવા લાગ્યો: “સાધુજનો, આ મિત્રરત્ન ઉપર મ્હારો પક્ષપાત છે ને એનો આપના ઉપર પક્ષપાત છે, માટે એના ઉપરની પ્રીતિથી અને શ્રદ્ધાથી હું ચંદ્રકાંત આપ સર્વને પ્રથમ પ્રણામ કરું છું, અને તે પછી આપનો ઉપકાર માનું છું - કારણ આ મ્હારું અને અનેક સજ્જનોનું રત્ન શોધવાનો