આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭૭


ચંદ્ર૦- તમે ક્‌હો છો કે આ સાધુલોક બોલવામાં તેમ ચાલવામાં બેમાં મધુર છે. મને મધુર બોલતાં નથી આવડતું પણ મ્હારી ચાલ હજી સુધી કોઈને કડવી નથી થઈ પડી. આપ મધુર બોલવાની કળા જેવી ઉત્તમ રીતે જાણો છે તેવી જ કડવી ચાલ કેમ ચાલવી તે પણ જાણો છે. આપના જેવી આવી બેવડી સમૃદ્ધિ મ્હારી પાસે નથી.–

સર૦– પિતાજી સુખી છે ?

ચન્દ્ર૦- “હેં ! તેમની ચિન્તા પડે છે ? પણ તે તમારે પુછવાનો હક શો ?

સુખી તે તો તમારે શું ?
દુ:ખી તે તો તમારે શું ?

“વર્તમાનપત્રો કોઈ દિવસ આ સુન્દર દેશમાં વાંચવા મળે છે ?”

સર૦- કોઈ દિવસ.

ચંદ્ર૦- ત્યારે તેમાં જ વાંચજોને કે આપનાં પરાક્રમનાં વાવેલાં બીજ કેવાં ઉગી નીકળ્યાં છે તે જણાય.

સર૦– મ્હારા હૃદયને જાણનાર ચંદ્રકાંત હસવું આવે એવું બોલે છે.

ચંદ્ર૦– તમને હસવું આવ્યું ને ન ચ્હડ્યો ક્રોધ કે ન લાગ્યું દુ:ખ ત્યારે ગમે તો તમારું હૃદય જાણવાનું હું ભુલી ગયો છું, ને ગમે તે તમારું હૃદય અંહીની સાધુતાના પૌષ્ટિક પવનથી વધારે કઠણ થયું છે તે હતું તેવું નથી ને હું ઓળખી શકતો નથી. બાકી તમારા વિના બીજાં ઘણાંકનાં હૃદયને તો હું જાણું છું. કોના કોના કાળજામાં કેવી કેવી લાતો આપના શાણપણે મારી છે તે હું સારી રીતે જાણું છું ને તમારા પોતાના હૃદયનું પોત તો હવે જેવું પ્રકટો તે ખરું.

સર૦– ત્હારું કટુ પણ સત્ય ભાષણ મ્હારાં કર્મના પાપ અંશનું વિષ ઉતારી દે છે ને એ સર્વ સાંભળવાથી હું બહુ તૃપ્ત થાઉં છું. કુમુદસુન્દરીના શબ્દોમાં પણ એવી કટુતા હત તો હું હજી વધારે ભાગ્યશાળી થાત.

ચન્દ્ર૦– ચુપ ! તમારા દુષ્કર્મનો ભોગ થઈ નાળમાંથી કપાઈ ક્‌હોઈ જઈ ડુબી મરેલા એ દુ:ખી કમળનું નામ તમારી જીભ ઉપર આવવું ઘટતું નથી.

સર૦- ચન્દ્રકાન્ત ! એ પણ સત્ય જ કહ્યું. પણ મ્હારા ત્હારા ભાગ્યથી એ જીવ જીવે છે ને આ સુન્દરગિરિની સાધ્વીઓયે, એ કમળ કરમાતું હતું તેને સ્થાને, પોતાની સાધુતાથી એને પાછું પ્રફુલ્લ કરવા માંડ્યું છે.