આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭

એક થશે ત્યારે ત્યારે સર્વના હૃદયમાંથી એક જ નાદ અને શરીરમાંથી એક જ ગતિ નીકળશે. બ્રીટિશ હીંદુસ્થાન એ ઈગ્લાંડનું સંસ્થાન, અને દેશી રાજ્યો તે એ હીંદુસ્થાનનાં સંસ્થાન: એવો સંબંધ બંધાઈ ચુક્યો છે તે વધારે વધારે સજડ થશે. અમારાં વર્તમાનપત્રો તમને શાણપણ આપશે, તમને ધમકાવશે, તમારા ઉપર અન્યાય થતાં તમને સહાય થશે, અને તમે સારા હશો તે તમારા યશ ગાશે, અમારા પ્રસિદ્ધ દેશસેવક પુરુષો અમારી તેમ જ તમારી સેવા કરશે અને અમારી પાસે તેમ તમારી પાસે પોતાના શ્રમકાળે ભાથું માગશે. અમે તમારાથી છુટી શકનાર નથી અને તમે અમારાથી છુટી શકનાર નથી. આ ભાવીકાળ આવે છે તેના પગલાંના ધબકારા સંભળાવા લાગ્યા છે અને તે સર્વ પાસથી સત્કાર પામશે, ઈચ્છાથી કે અનિચ્છાથી તમે તેનો સત્કાર કરવાને નિર્મેલા છો.”

વીરરાવ ચંદ્રકાંતના કાનમાં હસતો હસતો ક્‌હેવા લાગ્યો: “સામે બેઠેલું મડળ તમારા ભાષણની અસરથી કુમ્ભકર્ણની નીતિને પ્રાપ્ત થયું છે ને નિદ્રામાં ઘોરે છે. નપુંસકો પાસે લટકા કરનારી સ્ત્રી નિરાશ થાય છે.”

ચંદ્રકાંતથી હસી પડાયું: “મહારાજ, વીરરાવનો સ્વભાવ ઉકળે છે ત્યારે સામાને ઉકાળે છે અને હસે છે ત્યારે આપણને હસાવે છે. તે આપને માલમ છે. પ્રવીણદાસજી, જે ઉદાત્ત પુરુષો શંકરશર્મા જેવાઓને મુંબાઈથી બોલાવી તેમને લાભ આપે છે અને તેમની પાસેથી લાભ લે છે, એજ ઉદાત્ત પુરુષો આખા ભરતખંડ સાથે જોડાશે ત્યારે આખા દેશનાં પુષ્પોનો વાસ લેશે અને આખા દેશનાં વૃક્ષોનું પોષણ કરશે. આ મહાન્ વ્યાપાર ખેડવામાં તમે અમે સંધાયલા છીયે !”

છેલ્લાં વાક્યથી વૈશ્યકલાનો પ્રવીણ નમ્ર થઈ ગયો, અને પ્રસ્તુત વિષયનો બીજે પ્રશ્ન લેઈ બેાલ્યો: “ ચંદ્રકાંતજી, ભલે તેમ હો. પણ અમારા રાજાઓનું રાજત્વ ખુંચી લેઈ ઈંગ્રેજો તેમને એકલા ઉદાત્તપણાના ખાડામાં નાંખે એ હું માનતો નથી. અમારી તમારી વચ્ચે ભેદ રાખવો, અને અમારી સામે તમારો – અને તમારી સામે અમારો – ઉપયોગ કરવો એ સરકારનો સ્વાર્થ છે અને એ ચતુર વ્યાપારીઓ એમ કરવામાં ભુલ ખાય એવા નથી. દેશી રાજ્યની સેનાઓ, દેશી રાજ્યનાં દ્રવ્ય, અને દેશી રાજ્યોની સત્તા: એ સર્વ – ખોદે ઉંદર અને ભોગવે ભોરીંગ – એ ન્યાયે સરકાર વાપરી શકશે અને વગરમ્હેનતનો એ લાભ મુકી