આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭૮


ચન્દ્ર૦- શું સ્ત્રીલોકનું એ રત્ન જીવે છે? સરસ્વતીચંદ્ર ! મને એમનાં પુણ્ય દર્શન તરત કરાવ કે ત્હારા જેવા ક્રૂર હૃદયવાળા મિત્રનો મિત્ર હોવાને માટે હું તેમની ક્ષમા માગું અને એમનાં માતાપિતાને વધામણી મોકલી તેમનાં નિરાશ અંત:કરણમાં આશાના વૃક્ષને રોપું.

સર૦– હું તને તેમનું દર્શન અવશ્ય કરાવીશ. તેમની પણ એવી જ ઇચ્છા છે. માત્ર તને સુચવવાનું એટલું કે એમની સાથે એકાંતમાં વાત કરી એમની અનુમતિ લીધા વિના એમનું કે એમના કુટુંબનું નામ આ સાધુજનોમાં પ્રકટ ન કરવું અને એમના અસ્તિત્વની વાત તો કોઈને પણ એ અનુમતિ વિના ક્‌હેવી નહી. એમને સાધુજનો “મધુરીમૈયા ”ને નામે ઓળખે છે.

ચંદ્ર૦- અવશ્ય સાધુજનો સુજ્ઞ છે ખરા કે મધુર જીવને આવું મધુર નામ આપે છે, અને હું પણ એવા જીવને સંબંધે કંઈ પણ વાત એમને પુછ્‌યા વિના નહી કરું. બાકી તમારું નામ પાડવામાં તો સાધુજનો ભુલ્યા છે ને તમને તો મ્હેં જાણી જોઈ વગર પુછ્યે પ્રકટ કરી દીધા છે.

સર૦– મ્હારું નામ મ્હેં પાડ્યું છે- સાધુજનોએ નથી પાડ્યું.

ચંદ્ર૦– લાગે છે. આપની જ ચતુરતા લાગે છે.

સર૦– આ કન્થા પ્હેરીને હું કેવો દેખાઉં છું તે મ્હેં જાતે જોયું નથી - પણ આ નીચે પાણીમાં પ્રતિબિમ્બ જોઉં છું તેમાં તો તું ક્‌હે છે એવું હીન ભાગ્ય નથી દેખાતું.

ચંદ્ર૦- શું કરવા દેખાય ? એ પ્રતિબિમ્બ તો તમારા હૃદયમાં જુવો, અમારા જેવાંનાં અને તમારા પિતાના અને કુમુદસુન્દરીના હૃદયમાં જુવો – પછી ક્‌હો કે તમારા આ અંચળાનો રંગ તે તે એ સર્વેનાં હૃદયનાં મર્મસ્થાનને ચીરી તેમાંથી ક્‌હાડેલી લોહીની ધારાઓનો જ રંગ નથી ?

સર૦- કુમુદસુન્દરીએ પોતે પણ આવી જ કન્થા ધારી છે.

ચન્દ્ર૦- તે યોગ્ય જ કર્યું છે – જે ચિતા ઉપર તમે શબ થઈને પડ્યા છો તેના ઉપર એ તમારી જોડે જ જીવતાં બળવા માંડે છે ! સરસ્વતીચંદ્ર ! તમારું હૃદય શાનું ઘડેલું છે ? મને એ દુઃખી જીવની પાસે સત્વર લેઈ જાવ.

ચંદ્રકાન્તની આંખોમાંથી આંસુ વ્હયાં કરતાં હતાં ને તેને લ્હોવાની પરવા એણે કરી નહી.