આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭૯


સરસ્વતીચંદ્ર એને લઈને , વસન્તગુફા ભણી ચાલ્યો, અને એક સાધુને આગળ સમાચાર ક્‌હેવા મોકલ્યો. ત્યાં જતા સુધી કોઈ બોલ્યું નહી. સર્વ કલાંત ગંભીર બની, સૂર્યને ઢાંકી દેઈ આકાશમાં એકલાં ચાલતાં જળ વગર પણ કાળાં દુકાળનાં વાદળાં પેઠે ચાલતા હતાં. થોડી વારમાં ગુફાનું દ્વાર આવ્યું. ત્યાં જતાં પ્હેલાં ધીમે રહીને સરસ્વતીચંદ્રે ચંદ્રકાંતના કાનમાં કહ્યું: “સર્વ આપણી વાટ જોઈ સામાં આવે છે; ભુલથી એમનું નામ દેશો નહી. મધુરીમૈયા ક્‌હેજો. સઉની વચ્ચોવચ એ ઉભાં છે ને સઉથી જુદાં પડે છે તે ઓળખી ક્‌હાડજો.”

“બેસો, બેસો, તમે શું ક્‌હેતા હતા ?” એવું ક્‌હેવા જતો જતો ચંદ્રકાંત અટક્યો ને ઉત્તર દીધા વિના સરસ્વતીચંદ્ર ઉપર માત્ર કડવી દૃષ્ટિ કરી આગળ ચાલવા લાગ્યો.

પળ વારમાં સ્ત્રીમંડળ પ્રત્યક્ષ થઈ પાસે આવ્યું, સાધુઓ પાછળ ખમચ્યા અને ઉભા રહ્યા ને ગર્જ્યા: “ નન્દકો નન્દન એક આનન્દ દેત હય ! મધુરીમૈયાકો જય !”

“ મધુરીમૈયા” નો જય પોકારાયો સાંભળીને હર્ષથી, અને એની ભગવી કન્થા જોઈ દુ:ખથી, ચન્દ્રકાંતનાં આંસું વધ્યાં, વાલકેશ્વર ઉપર સરસ્વતીચંદ્રના બંગલામાં જોયેલી કુમુદસુન્દરીની મ્હોટી છબી પોતાના સામી જીવતી થઈ ઉભી લાગીને તેની સુન્દરતા, મધુરતા, અને દીનતાના સંસ્કાર એના હૃદયને, વંટોળીયો વ્હાણના સ્હડને ઉછાળે તેમ, ઉછાળવા લાગ્યા. સઉ છેક પાસે પાસે આવ્યાં ત્યાં સરસ્વતીચંદ્ર આગળ વધી બેાલ્યો: “મધુરી ! આ મ્હારો પરમ મિત્ર ચન્દ્રકાંત !”

કુમુદ૦- ચન્દ્રકાન્તભાઈ, સુખી છો ?

ચન્દ્રકાંત રોઈ પડ્યો – તેનાથી ઉત્તર દેવાયો નહી – એ કુમુદસુન્દરીને પગે પડ્યો ને એની પૃથ્વી પર પડેલી પાઘડી સરસ્વતીચંદ્રે ઉચકી લીધી.

“ કુ...મુ...મધુરીમૈયા ! મ્હારા કઠણ હૃદયના મિત્રના અતિદુષ્ટ અપરાધની ક્ષમા કરજો. એણે તો તે નહી માગી હોય – પણ એને માટે હું ક્ષમા માગું છું ! અમે તમારો અસહ્ય અપરાધ કર્યો છે ને પેટમાં ઉતરેલાં વિષ રગેરગમાં ચરવા માંડ્યાં છે !”

પોતાનાં નેત્રનાં આંસુની અવગણના કરી કુમુદસુન્દરીયે ચન્દ્રકાંતના શરીરને ઉંચું કરવા માંડ્યું. અને એના કોમળ હાથમાં તેમ કરવાની અશક્તિ પ્રત્યક્ષ કરતો ચન્દ્રકાંત એને વધારે પ્રયત્ન કરાવવા વિના જાતે જ ઉભો થયો ને પોતાનો રૂમાલ આંખે ફેરવી બેલતો બોલતો ઉભો.