આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૧

“આવો, બેસો,” ચંદ્રકાંત બોલ્યો. કુમુદ એક પાસ બેઠી. ચંદ્રકાંત પણ બેઠો.

“ચંદ્રકાંતભાઈ નીચે કોઈ આવેલા છે ને આપને બેને મળવા ઇચ્છે છે. ” કુમુદે સમાચાર કહ્યા.

“અમને બેને !” સરસ્વતીચંદ્ર કંઈ ચમકી બોલ્યો.

“હાજી,” કુમુદ બોલી. બે જણ ઉતરી નીચે ગયા, ઓટલા ઉપર કુમુદ એકલી તેમને પાછા આવવાની વાટ જોતી બેઠી. બ્હાર દૃષ્ટિ કરવાની વૃત્તિ થઈ ને અટકી.

સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંત નીચે ગયા તો ભોંયતળીયે સાધુઓ ઉભા હતા ને ગુફા બ્હાર ઉભેલા એક સ્વાર સાથે વાતો કરતા હતા. એ સ્વાર પોતાનો ઘોડો આ ગુફાઓની બ્હારના ભાગમાં એક થાંભલે બાંધી આવ્યો હતો. એને શરીરે, ઈંગ્રેજી પોલીસના સ્વારના જેવો “ડ્રેસ” હતો ને પગે ઘોડાને પાછળથી મારવાની “સ્પર્સ” – એડીયો – વાળાં ઢીંચણ સુધીનાં “બૂટ” હતાં, ચંદ્રકાંતને દેખી એણે સલામ કરી અને સરસ્વતીચંદ્ર ભણી જોઈ બોલ્યો. “જોગીરાજ, સાધુ નવીનચંદ્ર તે આપ ? ”

સર- હા હું જ.

સ્વાર– ચંદ્રકાંતજી, નવીનચંદ્રજી, આ જ ?

ચંદ્ર૦— એ જાતે ક્‌હે છે પછી શું પુછો છો?

સ્વાર– નવીનચંદ્ર મહારાજ, અમારા ન્યાયાધીશે મોકલેલું આ આમંત્રણ-આજ્ઞાપત્ર[૧] લ્યો અને તેની નકલ ઉપર આ કલમ અને શાહી વડે આપની સહી કરી આપો. ચંદ્રકાંતજી, આ આપના ઉપરનું આજ્ઞાપત્ર.

બે જણે પોત પોતાનાં આજ્ઞાપત્ર વાંચ્યાં, પળવાર એક બીજા સામે જોઈ રહ્યા, અને અંતે સહીઓ કરી નકલો પાછી આપી. સ્વારે બીજા સાધુઓનાં નામ પુછી લખી લીધાં ને એકદમ પાછો ગયો.

રાધે૦- જી મહારાજ, આ શું છે ?

સર૦- ચંદ્રકાંત, આ વાંચી બતાવ.

ચંદ્રકાંતે વાંચવા જેવા ભાગ વાંચી બતાવ્યા

“ચૈત્રવદ ૧૦ ને રેાજ શ્રી યદુનન્દનના આશ્રમમાં મહારાજ શ્રી મણિરાજની આજ્ઞાથી અને મહન્ત શ્રી વિષ્ણુદાસના આશ્રયથી આ રાજ્યના


  1. ૧. સમન્સ