આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૨

વરિષ્ઠ ધર્માધિકારી અને વિષ્ણુદાસજી પોતે અથવા તેમના કોઈ પ્રતિનિધિ સાધુ તમો નવીનચંદ્ર સાધુને પ્રશ્નો પુછશે તેના ઉત્તર આપવા, અને તે દિવસે અને તે પછીના જે જે દિવસો એ બે જણ નીમે તે દિવસોયે, એ બે જણ જે જે સાક્ષીઓ પાસે તમારું અભિજ્ઞાન કરાવે તે કરવા દેવા, તમો સાધુ નવીનચંદ્રે પ્રત્યક્ષ ર્‌હેવું તેમ કરવામાં પ્રમાદ કરશો તો તમને અસાધુ ગણી સંસારી જનોને માટે કરેલા આ રાજ્યના ધારાઓ પ્રમાણે આ રાજ્યના અધિકારીઓ પાસે બલાત્કારે બોલાવવામાં આવશે.”

જ્ઞાન૦- આટલું તો આપણા ગુરુજીના અધિકાર પ્રમાણે પ્રશસ્ત છે. પણ આમ કરવાનું પ્રયોજન પણ એ લેખમાં કોઈ સ્થાને આવતું હશે. ચંદ્રકાંત વાંચવા લાગ્યો.

“સુવર્ણપુર સંસ્થાનમાં બ્હારવટીયા ચંદનદાસ અને બીજાઓ ઉપર એવો આરોપ છે કે તેમણે નવીનચંદ્ર નામના મનુષ્યનો વધ કર્યો છે; આ રાજ્યમાં અર્થદાસ નામના વાણીયા ઉપર એવો આરોપ છે કે તેણે મુંબાઈના સરસ્વતીચંદ્ર લક્ષ્મીનંદનનો વધ કર્યો છે. આ કામમાં ન્યાયાર્થી[૧] મુંબાઈના ધૂર્તલાલ અને હીરાલાલ નામના છે. તેમનું ક્‌હેવું એમ છે કે આ સરસ્વતીચંદ્ર નવીનચંદ્રનું નામ ધારી ગુપ્ત વેશે ફર્યા કરતો હતો પણ તે બે નામનું મનુષ્ય એક જ છે. આ વિષયનું ન્યાયશોધન ઉપલાં બે રાજ્ય અને સરકારી રાજ્ય એ ત્રણમાંથી એક અથવા અનેક સ્થાને થવાનું છે તેમાંથી જે સ્થાને શોધન થાય ત્યાં સરસ્વતીચંદ્ર અને નવીનચંદ્રના અસ્તિત્વ અને અભેદના પ્રશ્નોનું નિરાકરણ થવામાં ઉપયોગી પ્રશ્નો સાક્ષીઓને પુછવાને માટે મહારાજ મણિરાજે પોતાના વરિષ્ઠધર્માધિકારી શંકરશર્મા અને મહંત વિષ્ણુદાસજીને અધિકારી નીમેલા છે તે આજ્ઞાનો નિર્વાહ કરવાને માટે નાગરાજ મહારાજના યદુશૃંગના સાધુજનો ઉપરના શાસનપત્રને આધારે આ આમંત્રણાજ્ઞાપત્ર ક્‌હાડેલું છે.”

જ્ઞાન૦- જી મહારાજ, ગુરુજીની છાયામાં ર્‌હેનાર સાધુજનોને નાગરાજ મહારાજે આપેલા અભયપત્ર પ્રમાણે જે ન્યાયશોધન થાય તેમાં જ ગુરુજી સહાય આપે છે, અને ગુરુજી જેમાં સહાય્ય આપે નહી તેવાં સર્વ આજ્ઞાપત્ર વૃથા છે, માટે આપની શાન્તિ કે સ્વસ્થતામાં કોઈ જાતની ન્યૂનતા થવી ઘટતી નથી.

સરo- ના સ્તો.

એટલામાં એક બીજો સાધુ આવ્યો ને સરસ્વતીચંદ્રને ક્‌હેવા લાગ્યોઃ


  1. ૧. ફરીયાદ કરનાર, વાદી.