આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૪

આટલું બોલતાં તેઓ છેક ઉપલા દાદરને ઉપલે પગથીએ આવ્યા. ઓટલા ઉપર કુમુદ બેઠી હતી. એ ઓટલે થોડે છેટે બે મિત્રો બેઠા.

ચંદ્ર૦- કુમુદ – અથવા તમારું નામ ગુપ્ત રાખી બીજે નામે બોલાવવાની ટેવ પાડીશ કે કોઈ સાંભળે ત્હોય વાંધો નહી. મધુરીમૈયા, અમે નીચે ગયા હતા ત્યાંના સમાચાર આ વાંચીને જાણો.

સરસ્વતીચંદ્ર ઉપર આવેલું આજ્ઞાપત્ર કુમુદને આપ્યું, પોતાના ઉપર આવેલું સરસ્વતીચંદ્રને આપ્યું, અને પોતે પોતાના ઉપર આવેલા પત્રો ઉઘાડવા વાંચવા લાગ્યો – કંઈક ભાગ મનમાં વાંચવા લાગ્યો ને કંઈક મ્હોટેથી વાંચવા લાગ્યો.

સર૦– કુમુદસુંદરી, તમારું અહીયાં હોવું ચન્દ્રકાંતને વિદિત હતું.

કુમુદ૦– કંઈક નવાઈની વાત. પણ મ્હારે પ્રગટ ર્‌હેવું કે નહી ને મ્હેં કે આપે શું કરવું તે વિચારનો ભાર આપણે માથેથી આપણે ક્‌હાડી નાંખ્યો છે. આપના સુજ્ઞ મિત્રને હવે જે ગમે તે ઠરાવે. આપના ચિત્તની, મ્હારા ચિત્તની, આપણાં સ્વપ્નની, અને આપણા જાગૃતની, સર્વ વાતો એમણે જાણી, વાંચી, અને હવે જે એમને યોગ્ય લાગે તે કરે. આપણી હોડીમાં હવે સુકાનપર ચન્દ્રકાંતભાઈ બેસશે ને એ કરશે તે પ્રમાણે આપણે સ્હડ ચ્હડાવીશું ને હલેસાં હલાવીશું.

સર૦– સ્વસ્થતાનો માર્ગ એ જ છે. ચન્દ્રકાંત, આ વ્યવસ્થા મ્હેં શોધી ક્‌હાડી નથી.

ચન્દ્ર૦- એ તો હું જાણતો જ હતો. આપ કાંઈ શેાધી ક્‌હાડો તેમાં કાંઈ નવી જ છાશ વલોવવાની નીકળે ને તેમાં શ્રમ વિના ફળ ન મળે. મધુરીમૈયાની બુદ્ધિ વિના તેમાંથી માખણ નીકળવાનું નહી – એમની ચતુરાઈએ એવું માખણ ક્‌હાડ્યું કે તમે વલોણું બંધ કરી નીરાંતે બેઠાં ને ચંદ્રકાન્તને માથે ચિન્તાનું ચક્ર બેઠું. હવે તો ચન્દ્રકાન્તને चक्रं भ्रमति मस्तके ! આમ માર્ગ દેખાડું તો આમ ગુંચવારો ને એમ દેખાડું તો એમ ગુંચવારો.

કુમુદ૦– આપ મિત્ર છો, વ્યવહારજ્ઞ છો, વિદ્વાન છો, અને અમારાં ને અમારાં હિતચિન્તક માતાપિતાદિક સર્વનાં ચિત્ત જાણો છો ને સર્વના વિશ્વાસના પાત્ર થઈ ચુક્યા છો. આપના જેવા વૈદ્યને આ કાર્ય ન સોંપીએ તો બીજા કોને સોંપીએ ?

ચન્દ્ર૦– હાસ્તો. લ્યો ત્યારે પ્રથમ આ સાંભળો તમારા પિતાના પત્રમાંનો લેખ.