આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૫


“કુમુદને માટે એની મા શું ઇચ્છે છે તે તમે જાણો છો. વડીલ શું ઈચ્છે છે તે તમે જાણે છો સરસ્વતીચંદ્ર અને કુમુદ પોતે શું ઇચ્છે છે તે તમે હવે જાણી ગયા હશો. મ્હારી પોતાની ઇચ્છા અથવા વૃત્તિ કુમુદની પોતાની કંઈ પણ પવિત્ર ઇચ્છાને પાર પાડવામાં તત્પર થવાની છે – તે વિના હું કાંઈ બીજું ઇચ્છતો નથી. કુમુદને સરસ્વતીચંદ્રે જે હાનિ પ્હોચાડી ને જે અન્યાય કર્યો છે તેનો બદલો વાળવા તેમની ઇચ્છા હોય તો કુમુદનું પ્રસિદ્ધ પાણિગ્રહણ કરવું, એને હવે સર્વથા સુખી કરવી અને આપણા લોક બોલે અથવા વેઠાવે તે સાંભળવું અને વેઠવું – એ જ માર્ગ એમની વિદ્યાને અને ન્યાયબુદ્ધિને યોગ્ય છે. જો આ માર્ગ તેઓ લેવાને તત્પર હશે તો હું અને કુમુદની માતા આ વ્યવહારથી થવાનાં સર્વ સુખદુ:ખમાં તેમની સાથે જ રહીશું અને મ્હારી સમૃદ્ધિમાત્ર મને કુમુદ–કુસુમના કરતાં વધારે પ્રિય નથી. કુસુમને કુમારાં ર્‌હેવાનો તીવ્ર અભિલાષ છે તે તમે જાણો છો અને મ્હારી સર્વ સમૃદ્ધિ એ બે પુત્રીઓના ધર્મ અભિલાષ પુરવામાં સાધનરૂપ કરવા હું સર્વ રીતે અને આ પળે શક્તિમાન્ અને તૈયાર છું.

કુસુમને લઈ તેની માતા અને કાકી કાલ સુન્દરગિરિ ઉપર આવશે. વડીલ પણ તેમની જોડે આવશે. મિસ ફ્લોરા પણ આવશે. સર્વને માટે તંબુઓ મોકલી દીધા છે.

ધર્મભવનની આજ્ઞા થઈ છે તેથી વિષ્ણુદાસજી પાસે સરસ્વતીચંદ્રનું અને તમારું તેમ અન્ય જનોનું સાક્ષ્ય[૧] લેવામાં આવશે અને તમારા જેવું જ આજ્ઞાપત્ર મ્હારા ઉપર છે એટલે હું પણ તે પ્રસંગે આવીશ. બુદ્ધિધનભાઈને પણ એ પ્રસંગે સાક્ષ્ય આપવા આવવા વિજ્ઞપ્તિપત્ર લખેલું છે.

સરસ્વતીચંદ્રને પ્રકટ થયા વિના છુટકો નથી. કુમુદનું નામ અતિગુપ્ત છે તે એની ઇચ્છા હશે તો જ પ્રકટ થાય ને તે ઇચ્છા જાણ્યા વિના પ્રકટ ન થાય એવી વ્યવસ્થા કરી છે.

બાકીના સમાચાર બીજા પત્રોમાંથી મળશે.

સરસ્વતીચંદ્રને અને કુમુદને આ પત્ર વંચાવજો. સરસ્વતીચંદ્ર પોતે કાંઈ ખોટું કર્યું છે એમ જાતે સમજતા હોય તો તેનું પાપ ધોઈ નાંખવાનો એક જ માર્ગ ઉપર લખ્યો છે; ને કુમુદના પિતાને ઈશ્વરે આપેલો અધિકાર છે તે વાપરી હું તેમની પાસે મ્હારી કુમુદને માટે એટલો ન્યાય માગું છું કે તેમણે કુમુદને એની ઈચ્છા પ્રમાણે ધર્મથી શીઘ્ર ન્યાય આપવો.”


  1. ૧ જુબાની.