આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૬

સર૦– ચંદ્રકાંત, તને કહ્યું છે કે આથી કુમુદસુંદરીને તૃપ્તિ હોય તો તેમ કરવા હું સજ્જ છું. એમના પિતાની સંમતિના અભાવને લીધે જે કાંઈ બાધ હતો તે આમ નીકળી જાય છે તો પછી હું તો કુમુદસુન્દરી પાસે પ્રતિજ્ઞા કરી ચુક્યો જ છું.

કુમુદ૦– ચંદ્રકાંતભાઈ, મ્હારા મનની તૃપ્તિની વાત જવા દેજો અને એમને પ્રાયશ્ચિત્તરૂપે મ્હારો સમાગમ આપવાની તો કલ્પના પણ જવા દેજો. એ વિના બાકીનાં અમારાં મનોરાજ્ય તમે જોઈ લીધાં છે ને તેની સિદ્ધિમાં અમારો ધર્મસહચાર કેવે રૂપે વધારેમાં વધારે કામ લાગશે, સ્ત્રીના પુરુષપ્રતિ અનેક ધર્મ છે તેમાંથી કીયાનો ત્યાગ અને કીયાનો સ્વીકાર એમના ધારેલા મહાયજ્ઞને સફળ કરી શકશે અને એમને એમની સર્વાવસ્થામાં સૌમનસ્ય આપશે અને એમને કૃતકૃત્ય કરશે, એમની કીર્તિ અને અમારું બેનું કલ્યાણ કરવામાં કીયો માર્ગ ધર્મ્ય છે, અને ટુંકામાં આપના પરમ મિત્રની સાથે કેવા પ્રકારથી મ્હારી મૈત્રી રચાય તો એમનું સુખ, એમનું સ્વાસ્થ્ય, એમની કીર્તિ, એમનું સદ્ભાગ્ય, અને સત્પરાક્રમ સંપૂર્ણતાથી રચાય એટલું જ વિચારજો. મ્હારું શું થાય છે, મ્હારી કીર્તિ થશે કે અપકીર્તિ, મ્હારાં અતિપ્રિય અને મ્હારે માટે આટલું કરવા તત્પર થયેલાં માતાપિતાને હું વ્હાલી થઈશ કે અળખામણી, એ અથવા એવો કાંઈ પણ મ્હારા સુખનો કે દુ:ખનો વિચાર કરશો નહી. અમારી તકરારમાં તમે પંચ, તમે કન્યાદાનના અધિકારી, તમે વરના પિતા, તમે બેના મિત્ર, તમે અમારા વિવાહનો હોમ, અને તમે અમારા અગ્નિસ્વરૂપ ! તે એવે રૂપે તમે મને શુદ્ધ અને સંસ્કારિણી કરી આ મ્હારે માટે ત્યાગી થયેલા શરીરીનો જન્મ જે રીતે સફળ થાય તેટલું કરજો. પછી હું સર્વાવસ્થામાં સુખ અને સંતોષ જ જોઈશ. એમનો જન્મ સફળ થાય તે વિના બીજા ભોગની મને તૃષ્ણા નથી, બીજો વૈભવ મને ગમતો નથી, ને બીજાં ભાગ્યની ન્યૂનતાથી કુમુદને લેશમાત્ર પણ દુઃખ થનાર નથી તે સત્ય સમજજો. આટલું મ્હારું ઇષ્ટ કરશો તો અપકીર્તિ, અધર્મ, અને દુ:ખ – એ સર્વનું મને રજ પણ ભય નથી. ચન્દ્રકાન્તભાઈ, મ્હારા પિતા, માતા, અને સહોદર થઈ, મ્હારા વકીલ થઈ, આટલું કામ કરજો અને તમારામાં એમનો તેમ મ્હારો સંપૂર્ણ વિશ્વાસ સમજજો.

આટલું બોલતાં બોલતાં એની આંખમાં આંસુ આવ્યાં. ચંદ્રકાંત પણ કંઈક ગળગળો થયો અને બોલ્યો.