આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૮

પણ પોતે નિવૃત્ત છે એટલે હા કે ના ક્‌હેવાના નથી ને નાતમાં તો આમ ને તેમે પણ જતા નથી. દાદાજીથી તમારું દુઃખ વેઠાતું નથી પણ આ સર્વ હરકતો એમને ગમતી નથી; તેથી તેમણે એવો રસ્તો ક્‌હાડ્યો છે કે તમે તમારું નામ અને કુટુંબનું નામ છાનું રાખી સરસ્વતીચંદ્ર જોડે સુન્દરગિરિ ઉપર આયુષ્ય ગાળો એટલે પિતાજીને બીજી રીતે હરકત ન પડે ને તમે સુખી થાવ. કાકી તો એવું જ ક્‌હે છે કે એમના જેવાં તમારાથી શામાટે ન ર્‌હેવાય? તમે જો પુનર્લગ્ન કરશો તો કાકી તમારું મ્હોં જોવાનાં નથી ને ગુણીયલ પણ માત્ર પિતાજીને લીધે જોશે. સરસ્વતીચંદ્રના બાપ ગાંડા થયા છે ને તમને બેને ઝંખે છે. પિતાજી તે બધી હરકત વેઠીને પણ તમારું સુખ જોવાને ઇચ્છે છે ને તેમના મનની વાત ચન્દ્રકાંતને આજ લખી હશે કે લખશે. તમારા સસરા સંન્યસ્ત લેવાના ક્‌હેવાય છે.

આ સર્વ તમને કોઈ ક્‌હે નહી માટે મ્હેં લખ્યું છે. મને પુછો તો આ બધી દુગ્ધામાં હવે પડશો નહી. છુટ્યાં છો તે બંધાશો નહી. મ્હારે પોતાને પણ બંધાવું નથી. ગમે તે થાય પણ લગ્નના ફાંદામાં પડવું નથી, આજ સુધી પિતાજી એમ ક્‌હેતા હતા કે કુસુમને સરસ્વતીચંદ્ર જોડે પરણાવીશ – હવે ઈશ્વરકૃપાથી તે વાત ગઈ છે. મને કૌમારવ્રત પાળવા દેવાની પિતાજીએ હવે સ્પષ્ટ હા કહી છે. મ્હારા મનમાં એમ છે કે મ્હારે યે ન પરણવું ને તમારે યે ન પરણવું ને આપણે બે બ્હેનો ઠીક પડશે ત્યાં સુધી ગુણીયલ પાસે રહીશું, ઠીક પડશે ત્યારે ચન્દ્રાવલી પાસે રહીશું, ને ઠીક પડશે ત્યારે મોહનીમૈયાના મઠમાં રહીશું, નવા અભ્યાસ કરીશું, ને સંસારના મ્હોટા ખાડામાંથી ઉગરી ખરા કલ્યાણને માર્ગે રહીશું.

તમે સરસ્વતીચંદ્ર સાથે યોગ પામો તેમાં મને તો લાભ છે, કારણ તમે તેમની સાથે જોડાવ તો એવું પણ થાય કે મ્હારે માટે યોગ્ય વર નથી માટે મને કુમારી રાખવાની પિતાજી હા ક્‌હેતા હશે; ને તમે વિધવાવ્રત પાળશો તો વખત છે પાછું મ્હારે માથે ચક્ર બેસે ને સઉ મને ક્‌હેશે કે આ વર છે ને તું પરણ. પણ મ્હેં તો નિશ્ચય કર્યો છે કે પિતાજીએ એક વાર હા કહી છે તેમાંથી ફરવા નહી દઉં ને તમે ને હું બે સરખાં હઈએ તો મરજી પડે ત્યાં રહીયે ને બેને ગમે.

અમે સઉ એક બે દિવસમાં ત્યાં આવીશું. તમને હજી છતાં કરવાં નથી માટે તમને એકાંત રાખવાને માટે ગુણીયલ મેાહની અને ચન્દ્રાવલી