આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૦

ભરાશે ! મુંબાઈ છોડી સાધુ ન થયા હત તો આ વેળા કયાં આવવાની હતી ? બહુ જ ભાગ્ય તેમનાં ને આપણાં કે આ શંભુમેળાનો સંઘ આપણી પાછળ આવી જાત્રાએ આવશે."

સરસ્વતીચંદ્ર ગમ્ભીર રહ્યો ને માત્ર એટલું જ પુછ્યું કે “ગંગાભાભીનો પત્ર નથી ?”

ચંદ્ર૦– છે, પણ સંતાડવાનો છે.

સર૦- કુમુદસુન્દરીને તે વંચાવો.

કુમુદ– ગંગાભાભી–

ચંદ્ર૦– અમારા ઘરનાં એ ઘરવાળાં – જેમની સાથે ઉભાં ર્‌હેતાં તમે શરમાશો.

કુમુદ૦– વાંચવા દેવામાં હરકત છે?

ચંદ્ર૦- છે તે બધીયે છે ને નથી તે કાંઈ નથી – આપું ? – લ્યો ત્યારે ! – થાય તે ખરું ! – નીકર હું જ વાંચું છું – સાંભળો.

“હું મરવા પડી હતી એટલું જ નહી પણ તમારાં સગાં ને વ્હાલાંએ ધૂર્તલાલ સાથે મ્હારો ઘાટ ઘડવો ધાર્યો હતો, તે જાણતા છતાં તમે ન આવ્યા તે બહુ જ સારું થયું. કારણ હું મોઈ હત ને સરસ્વતીચંદ્ર જડ્યા હત તો છોકરાં ભુખે ન મરત, પણ જીવું છું ને નહી જડે તો તમે ઘરનાંની શરમ તોડી મને કે છેકરાંને કંઈ કેડી બતાવવાના નથી. માટે તેમને શોધવાનું પડતું મુકયું નહી ને આવ્યા નહી તે જ સારું થયું.”

“તમારો કાગળ આવ્યા પછી મને ને છોકરાંને ઉદ્ધતલાલ પોતાને ઘેર લઈ ગયા છે; તેથી તેમની ને તમારાંની વચ્ચે રમઝટ ચાલી, પણ ઉદ્ધતલાલ કોઈનાથી જાય એવું રત્ન નથી. ને હવે તો હું પણ સાજી થઈ છું. સરસ્વતીચંદ્ર જડ્યા ક્‌હેવાયા સાંભળી સાજી થઈ. ખરેખર જડ્યા હશે તો ઉદ્ધતલાલ ત્યાં આવશે ને હું પણ સાથે આવીશ."

“એવું પણ સંભળાય છે કે કુમુદસુંદરી જીવતાં નીકળ્યાં છે. પણ હવે તો તે વૃથા. નાતરીયા નાત હત તો જુદી વાત હતી, તમે સુધારાવાળા નાતરાં કરાવો તો ના ક્‌હેવાય નહી – પણ, એ નાતના ઘોળમાં પડવાની ને છૈયાં છોકરાં પરણાવવાની એમ બે વાતો સાથે બને એવી નથી. ઉદ્ધતલાલ ક્‌હે છે કે આપણે નાતરીયા નાતનો, વીલાયત જઈ આવનારાને, નાતબ્હાર ર્‌હેલા લોકનો, ને એવા એવાઓનો સઉનો શમ્ભુમળો કરી નવી મ્હોટી નાત કરીશું ને તેમાં નાતબ્હાર મુકવાનો ચાલ