આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦૫

તે જ રીતે સાધુજનો શુદ્ધ પ્રતિમાની સર્વ રીતે સર્વ ચિંતાઓ કરી પોતાના સર્વસ્વનું એ પ્રતિમાને નિષ્કામ અર્પણ કરે છે. સાંકેતિક મંદિરમાં પુષ્પધૂપાદિના સુગંધ અને અન્ય સુંદર સામગ્રી પૂજક અને પૂજિતને અધ્યસ્ત સ્વભાવથી તૃપ્ત કરે છે તેમ શુદ્ધ પ્રતિમાના મહામન્દિરમાં રસ, જ્ઞાન, અને ક્રિયાની સામગ્રી પૂજ્ય અને પૂજકને સ્વભાવથી તૃપ્ત કરે છે. સાંકેતિક મંદિરમાંનું આરાત્રિક[૧] મંગલમૂર્તિને સુદૃષ્ટ કરવાને માટે છે તેવા જ, શુદ્ધ મંગલમૂર્તિને સુદૃષ્ટ કરવાના, આરાત્રિકથી તમારા જેવા વિદ્યાસંપન્ન સાધુજનો મહામન્દિરના સુન્દર ભાગોને અને શુદ્ધ પ્રતિમાનાં સર્વ અવયવને સુદૃષ્ટ કરી લે છે તે આરાત્રિકને પ્રસંગે મંદિરના શુદ્ધગર્ભારાદિ ભાગમાં અમારા જેવા સાધુજન સૂક્ષ્મ ઘંટાનાદ કરે છે ત્યારે તમારા જેવા સમર્થ સાધુજનોના શંખનાદ એ પૂજનની કીર્તિનાં સંગીત, લય, અને પ્રતિધ્વનિ વડે એ મંદિરને તળથી તે ઘુમટ સુધી ભરે છે અને બ્હારના માર્ગોને અને દૂરની ગિરિગુફાઓને અલખ ગર્જનાના ગાનથી ગજવી શકે છે !

“નવીનચંદ્રજી, આવો અપ્રતિહત શંખનાદ કરવાને ચિરંજીવોએ તમને અધિકાર આપેલો છે તે વાપરતાં અમારા લઘુ મઠને ભુલશો માં, તેમ એ મઠમાં તમારી ગતિને સંકુચિત કુણ્ઠિત કરી રાખશો માં, સાંકેતિક કથાનું મૂળ શુદ્ધ સ્વરૂપે પ્રકટ કરતાં શંકા રાખશો માં, સંસારના કોલાહલથી ભડકશો માં, પામર અજ્ઞ જીવોની કરેલી સ્તુતિથી કે નિન્દાથી ઠગાશો માં. એકદેશીય કે એકકાલીન અનુભવ અને વિદ્યાથી તેમ એકમાર્ગી બુદ્ધિથી જ સંભૃત થયલા જીવોના – પવન જેવા – ઝપાટાથી તણાશો માં, સર્વ વસ્તુનો યોગ્ય આદર કરનારી સર્વાસ્તિકતા વિનાની શ્રદ્ધાથી[૨] બંધાશો માં, મનુષ્યરૂપે વિચરતાં પશુપક્ષીયોના સ્થૂલ બળના ભયથી કે પ્રહારથી કમ્પશો માં, કોઈની કે કશાની ઉપેક્ષા કરશો માં. તેમ તેને આધારે બેસી ર્‌હેશો માં, અને સર્વથા અધ્યાત્મ બળમાં અચળ રહી, તમારા મહાયજ્ઞના વિધિમાં અખંડ સજ્જતાથી પ્રવૃત્ત રહી, એ યજ્ઞના અતિથિમાત્રનું કલ્યાણ સાધ્ય કરી, એ યજ્ઞમાં તમારા આયુષ્યના સર્વ અંશને હોમી દેજો !

“નવીનચન્દ્રજી ! એ ૫રમ યજ્ઞથી તમને ચિરંજીવોએ આપેલી મહાસિદ્ધિ સફળ થશે, એ પૂર્ણાહુતિથી તમે લક્ષ્યાત્માને લક્ષ્ય કરશો, અને પરમ અલક્ષ્ય પરાવરમાં ત્રિયોગ સાધનાથી સાયુજ્ય પામશો ! એ પરાવરને પામવાને યોગ, કર્મ, અને જ્ઞાન ત્રણે સાધનને પામી ત્રિયોગ સાધજો.”


  1. ૧. આરતી.
  2. ૨. सर्वास्तिकता श्रद्धा શારીરક ભાષ્ય ઉપર આનંદગિરિની ટીકા.