આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦૯

પ્રાપ્ત નહીં થતો હોય એવો કોઈ માર્ગ આપને કે મધુરીની મધુર બુદ્ધિને સુઝશે તે યદુનન્દનના સર્વ પ્રસાદની સામગ્રી આપના દુઃખની શાન્તિને માટે સર્વથા સ્વાધીન સમજવી.

ગુણ૦– સાધુજનોનો અધિકાર એના ઉપર શી રીતે આવ્યો ? એનું વૈધવ્ય ગણો તો એણે શ્વશુરકુટુમ્બમાં જવું જોઈએ ને કૌમાર ગણો તો અમારી પાસે એણે વસવું જોઈએ એવી સંસારની વ્યવસ્થા છે, ધર્મશાસ્ત્રનો આદેશ છે, ને મહારાજ મણિરાજની સાર્વજનિક આજ્ઞા છે. સાધુજનો સાધુજનો ઉપર પોતાને અધિકાર વાપરે તે યોગ્ય છે. પણ સંસારીયોનાં કુટુમ્બ ઉપર તમે અધિકાર વાપરો તેથી તમારી મર્યાદાનું ઉલ્લંઘન નહી થાય ? ક્રોધ ન કરશો.

મેહનીo– “પ્રધાનપત્નીજી, પ્રશ્ન પુછો છો તેમાં સાધુજનો શા માટે ક્રોધ કરે ? તેમાં આ તો ઉચિત પ્રશ્ન છે. તો ઉત્તર સાંભળો. સંસારને માટે બંધાયલાં ધર્મશાસ્ત્રમાં તો न स्त्री स्वातन्त्र्यमर्हति એટલે સુધી છે; પણ અલખ માર્ગનું ધર્મશાસ્ત્ર સ્ત્રીને અધ્યાત્મ દૃષ્ટિથી જુવે છે ને આ સૂત્રને ક્ષુદ્ર ગણે છે. સંસારની વ્યવસ્થા તો ત્રીશ વર્ષના પુત્રને પણ માતાપિતા પાસે બાળક ગણાવે છે ને એવા પુત્ર ઉપર સંસારી માતાપિતા આજ્ઞા કરતાં લજ્જાનું કારણ જોતાં નથી. અલખ યોગીયોની મઠવ્યવસ્થામાં વયોબાલ યુવાન થાય છે તેની સાથે પોતાના હૃદયકમળમાં ર્‌હેલા પરમજ્યોતિને પ્રત્યક્ષ કરે છે ને એ જયોતિના પ્રકાશને મનુષ્યની આજ્ઞાથી અવચ્છિન્ન કરવો કે અસ્વતંત્ર કરવો તેને અમારો સાધુસંપ્રદાય એક મહાન્ અધર્મ અને અનર્થ માને છે. મહારાજ મણિરાજની આજ્ઞાઓ સંસારમાં આવશ્યક છે પણ સુંદરગિરિ ઉપરના સાધુજન સાધુતાને વશ ર્‌હે ત્યાં સુધી મહારાજની આજ્ઞાઓ પણ માત્ર સૂચનારૂપ ગણાય છે એવા વિચાર, લેખ, અને આચાર પરાપૂર્વથી છે.

“ચંદ્રાવલીમૈયાને આપનો સંદેશો કાલ પ્હોચ્યો હતો તે એમણે મને વિદિત કર્યો હતો તે ઉપરથી આપને દર્શાવવાને માટે આ લેખોમાંના પ્રતિલેખ [૧]પરિવ્રાજિકા મઠમાં રહે છે તે મ્હેં આણ્યા છે તે દેખાડીશ. જે શરીર બાળક છે ને સંસારીને ત્યાં જન્મ પામેલું છે તેના ઉપર અમારો અધિકાર નથી. પણ એ શરીર બાળકવય મુકી તરૂણ થઈ અમારો આશ્રય શોધે ને અમે આપીયે તો એ શરીર ઉપર તેનાં જનકજનનીના અને સર્વ સાંસારિક સંબંધીયોના સંબંધ ત્રુટી જાય એવો અમારો અધિકાર આ


  1. ૧. નકલ