આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૪

“ગુણસુંદરી, મોહની પાસેથી કાંઈ નવીન જણાયું ?”

ગુણ૦– ચંદ્રાવલી એને લેઈ થોડી વારમાં આવશે અને આપણાં નાક ર્‌હેવાનાં છે કે કપાવાનાં છે તે ક્‌હેશે.

માન૦– તમે અમસ્તો શોક કરો છો. સંસારને તો ઝુલાવનાર હોય તો ઝુલાવીયે તેમ ઝુલે એવો છે. આપણાં નાક બાક છે એવાં ને એવાં ર્‌હેશે ને દીકરીને નકામા ડ્હામ દેશો નહીં. બ્હારવટીયામાંથી બચી ને જળમાંથી જીવી તો સાધુઓમાં સમાશે ને જગતને તે જણવવાની કાંઈ જરુર નથી. માટે મુઝાશો માં ને હું સઉ સવળું ઉતારીશ.

ગુણ૦– બ્હારનાં નાકને આપ રાખશો પણ હૃદયમાં પડ્યા ઘા રુઝાવાના નથી. આપણે જેને અધર્મ ગણીયે છીયે તેને આ સાધુલોક ધર્મ ગણે છે ને કાંઈ કાંઈ ગાંડાં ક્‌હાડી બેઠા છે ને હજી ગાંડાં ક્‌હાડશે ને તેમને નિવારવાનું કાંઈ સાધન આપણી પાસે નથી. ખરું પુછો તો કુમુદનું નામ દેવું મને ગમતું નથી, એ આવશે તો જોવી નહી ગમે, ને બોલશે તો સાંભળવું નહી ગમે. મ્હારા મનની બ્હીક ખરી છે એવું મ્હારું કાળજું ક્‌હે છે ને મ્હારી કુખને લજવનારી આ પુત્રી ન પડી પેટ પથરો ને ન ગઈ મરી !

માન૦- તમે ભોળાં છો ને જગતની માયા સમજતાં નથી. એ દીકરીને મોઈ ઇચ્છો છો તે હવે તમ સ્ત્રીજાતને શું કરીયે ? પણ બોલોને કે એણે તે શો વાંક કર્યો ? એક જણની સાથે એનો જીવ જોડી પછી એના શરીરને બીજે ઠેકાણે આપણે ફેંકયું, ને ત્યાં આવે કર્મફુટ્યો માંટી મળ્યો. ગુણસુંદરી, ક્‌હેવું બધાંને સારુ છે પણ કરવું તે મહાકઠણ છે. તે છતાં આ છોકરીએ આટલી આટલી ટક્કર ઝીલી પોતાનું ને તમારું પણ સાચવ્યું. હવે જ્યારે ઈશ્વરે જ એને જોઈતો જન્મારો આપ્યો ત્યારે આપણે હજીયે આપણું નાડુ પકડી રહીયે તો આપણાં જેવાં મૂર્ખ કોણ ? ક્યાં બ્હારવટીયા, ક્યાં સુભદ્રા, ક્યાં માતાનો બેટ, ક્યાં સુન્દરગિરિ, ક્યાં સરસ્વતીચંદ્ર, ને ક્યાં એ ? જ્યારે ચારે પાસેથી આટલાં ચિત્રો ગોઠવાઈને મળ્યાં ત્યારે આ ઘડીયાળ ચાલવા માંડ્યું ત્યાં શું તમે જ મા થઈને કમાન તોડી નાંખશો ! લોક તો પારકા ઘરમાં હોળી સળગાવે ને ચારે પાસ નાચી નાચી તાળીયો પાડે, માટે આપણે પણ શું એ આપણું ઘર સળગતું જોવું ને લોકમાં ભળવું ? માટે ઉઠો ને આ ઘેલછા મુકી દ્યો. જુવો, બળી ઝળી મહામ્હેનતે કંઈ શીતળ થવા આવેલી રાંક દીકરી તમારી પાસે આવે ત્યારે એને પાછી બાળવા માંડશો નહીં, એને વ્હડશો નહી, એની સાથે