આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૯


“હા ! વડીલ ! આપ ખુશી છો !” બોલતાં બોલતાં કુમુદની આંખેામાં આંસુ ભરાયાં ને એ રોઈ પડી.–“મ્હેં આપને સર્વને બહુ દુ:ખી કર્યાં !”

માનચતુર એને માથે અને વાંસે પોતાને કરચલીઓવાળો વૃદ્ધ હાથ મુકતો ફેરવતો બોલ્યોઃ

“બેટા ! તું રજ ગભરાઈશ નહી. જેણે તને બ્હારવટીયાઓમાંથી ઉગારી તે જ હું છું ! કોઈ ત્હારું નહી થાય તો હું થઈશ - પણ ત્હારો આ ભેખ મ્હારાથી જોવાતો નથી !”

માનચતુરનાં વૃદ્ધ નેત્રમાં પણ આંસું ભરાયાં તે ઉંચું જોઈ ઉંચે હાથે લ્હોતી લ્હોતી પૌત્રી બોલી : “દાદાજી, વિધવાનાં વસ્ત્ર કરતાં આ ભગવી કન્થા વધારે સારી છે ને ચન્દ્રાવલીબ્હેન જેવાં સાધુજનના સત્સમાગમ મ્હારા સંસારના ઘા રુઝાવી બહુ શાન્તિ આપે છે-માટે આપ સ્વસ્થ થાવ ! આપે મ્હારા બાળપણમાં ગુણીયલની આટલી આટલી ચિન્તા કરી ને આટલે વર્ષે હજી પણ અમારી ચિન્તા કરવાનું આપને બાકી ર્‌હે એ મને ગમતું નથી. આપ સર્વે આટલે સુધી મ્હારે માટે આવો અને હું આપનાથી ગુપ્ત રહું તો કૃતઘ્ન થાઉં માટે આપને મળીને સાધુસમાગમમાં આયુષ્ય પુરું કરવા આજ્ઞા માગીશ તેની આપ ના નહી ક્‌હો !”

“કુમુદ ! બેટા ! ત્હારા સુખને માટે જે કહીશ તે કરીશું. આ ઉંચેથી આભ પડશે તેની ત્હારા દાદાને ચિન્તા નથી. પણ ત્હારી આંખમાં આંસુનું ટીપું સરખું દેખું છું ત્યાં મ્હારો જન્મારો ધુળ વળ્યો સમજું છું!”

શોક સમેટી વાતો કરતાં કરતાં સઉ તંબુ ભણી વાધ્યાં તે છેટેથી દેખાતાં, હરિણ પેઠે કુસુમ દોડતી દોડતી આવી ને –“બ્હેન! તમે આવ્યાં?” કરી બળથી કુમુદને વળગી પડી ને કુમુદે એને છાતી સરસી ચાંપી. બે બ્હેનોની આંખોમાં હર્ષનાં આંસું હતાં, પણ કુમુદનો હર્ષ અપ્રકટ હતો ત્યારે કુસુમને હર્ષ ઉછળતો હતો. બે બ્હેનોને અત્યંત પ્રેમથી મળેલી જોઈ ર્‌હેલા માનચતુરનું હૃદય નવા આનંદથી તૃપ્ત થતાં તૃપ્ત થયું નહી.

"કુસુમ ! બ્હેનની તું હવે એકલી જ રહી ! હવે એનાં ભગવાં ક્‌હડાવવાં એ ત્હારી ચતુરાઈની કસોટી !

કુસુમ કુમુદથી છુટી પડી, પળ વાર એનો ભેખ જોઈ રહી, ને વડીલ સામે કમળનાળ જેવો કણ્ઠ ફેરવી બોલી.