આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૧

બેાલાવજો. એમની પાસે તરત આવવાનું મને ભય નથી, પણ એમના પોતાના સ્નેહમર્મને મ્હારું દર્શન જ ત્રાસ આપશે તે મ્હારાથી જોઈ નહી શકાય. પણ તમારી અચલ પવિત્રતા ઉપર એમને પરમ પ્રીતિ છે, તમારાં વચન ઉપર એ અત્યંત શ્રદ્ધા રાખશે, અને તમારી સુજનતા એને શાંત કરશે.

"દાદાજી, ચન્દ્રાવલીબ્હેનને માટે આપને બહુ ક્‌હેવાની અગત્ય નથી. મને બે વાર એમણે આયુષ્ય આપ્યું અને ત્રીજી વાર આયુષ્યની સફળતા આપી. રાંક કુમુદને માટે આપે આ વૃદ્ધ શરીરને અત્યંત ભયમાં નાંખ્યું અને આપના મનને પરમ ચિંતામાં નાંખ્યું છે ને નાંખો છો તો હું વધારે શું કહું ? ચન્દ્રાવલીબ્હેને મ્હારી વીતેલી વાતો સર્વે પોતાના હૃદયમાં લખી રાખી છે તેમાંના લેખ આપ વાંચજો – ને આપ, પિતાજી, અને ગુણીયલ, ત્રણ જણ મળી મ્હારા ધર્મનો ન્યાય કરજો એટલે તે પછી મ્હારે કાંઈ જોઈતું નથી. સંસારનો ત્યાગ કરવો મ્હારે હવે બાકી નથી, પણ ત્યાગી જનેતાના સંપ્રદાયમાં સ્વસ્થતા પામી છું ને આ ભેખ એક વાર સ્વીકાર્યો છે તેનો હવે ત્યાગ થાય એમ નથી. દાદાજી, હવે મ્હારી ચિંતામાંથી સર્વને મુક્ત થવા વારો આવે છે ને હવે આપે મ્હારે માટે એક ચિંતા કરવી બાકી રહી છે તે ચિંતાને, ચંદ્રાવલીબ્હેન પાસેથી સર્વ વાત સાંભળીને, આટોપી લેજો. ગુણીયલને ક્‌હેજો કે કુમુદ જેવી રાંક હતી તેવી જ રાંક હજી છે, પણ એને માથે ધર્મ પ્રાપ્ત થયા છે તે ધ્યાનમાં લેઈ એનું મ્હોં દેખાડવાનો એને અધિકાર આપશો તો એ આપનાં પવિત્ર પ્રેમાળ દર્શનનો લાભ પામશે ને એ અધિકારને યોગ્ય કુમુદને નહી ગણો તો આજ સુધીનાં એનાં નવ્વાણું ટુંકાં ભાગ્યમાં સેામું એક ઉમેરાશે. દાદાજી, કુમુદ હવે પોતાનાં ટુંકાં ભાગ્યને કરેલાં કર્મનાં ફળ જ ગણે છે ને એ કડવાં ફળ ખાતાં મ્હોં બગાડતી નથી. દાદાજી, સાધુજનનો સમાગમ ફરીથી આવા અવતારમાંથી મને મુકત કરશે ને ધરેલાં ભગવાંનો ત્યાગ હવે કરું તો ફરી એવા અવતારના કુવામાં પડવા જેવું છે તે ન કરવું એ હવે મ્હારો નિશ્ચય છે, અને નિશ્ચય કર્યો છે તેટલી ક્ષમા કરજો.

“મ્હારાં વચનથી આપની વૃદ્ધ આંખોમાં આંસુ આવે છે તે ન આણશો ! દાદાજી, હું પરમ સુખી થઈ છું તે જાણી આનંદ પામો.”

પોતાનાં આંસુ લ્હોતો લ્હોતો માનચતુર નરમ પડી જઈ બેાલ્યો. “બેટા, ત્હારું અકેકું વેણ મ્હારું કાળજું કોરી નાંખે છે. મ્હારાથી નથી બોલાતું !”

ડોસો નીચે બેસી કપાળે હાથ દેઈ હૃદયમાં રોવા લાગ્યો ને કુમુદ એને ગળે વળગી એનાં આંસુ લ્હોવા લાગી.