આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૭

कारणम् - નિઃસ્નેહી નિર્વાણનું સુખ પામે છે ને સ્નેહ અનર્થનું મૂળ છે. પણ પિતાજી ક્‌હે છે કે अनारम्भि हि कार्याणां प्रथमं बुद्धिलक्षणं અને आरव्घस्यान्त गमनं द्वितीयं बुद्धिलक्षणम्. તમને સઉયે મળી આરંભના ખાડામાં નાંખ્યા તે હવે તમારું બુદ્ધિલક્ષણ એ કે તમારે અંત સુધી જવું; ને હું તો તમારાથી ચેતી ગઈ છું ને અનારમ્ભ જે પ્રથમ બુદ્ધિલક્ષણ છે તેને જ પકડી લીધું છે - અને - હવે તો - ભુલ્યે ચુક્યે -એ રસ્તે “કધી ભી ન જાઉંગી – કધી ભી ન જાઉંગી.”

કુસુમે ખભા વીંઝ્યા.

કુમુદ૦– જો એ બીજું બુદ્ધિલક્ષણ પકડ્યાથી મ્હારું દુ:ખ મટે એમ હત તો હું પ્રારબ્ધના અંત સુધી જાતે જાત જ. પણ તેમ કર્યાથી તો ઉલટું સર્વ કાર્ય વણસે છે ને સંસારનું કલ્યાણ કરવાની મહાશક્તિ અને અપૂર્વ વૃત્તિ વાળા મહાત્માની શક્તિ અને વૃત્તિ પત્થર ઉપર પડતી વૃષ્ટિ પેઠે નિષ્ફળ થાય છે. મ્હારે તો હવે એક જ અધિકાર – વિહારપુરી અને ચન્દ્રાવલીનો સંસાર જેવો સંસાર કરી નાંખવાનો – રહ્યો છેઃ મહાશક્તિ મહાલક્ષ્મી જગદમ્બા સ્વરૂપે આકાશથી પૃથ્વી સુધી વ્યાપી ર્‌હે છે ને આવાં નવરાત્રિમાં આ સંસારને ગરબે રમવા નીકળે છે તે આકાશમાં એ મહાત્મા ચંદ્ર પેઠે ફરશે અને રંક કમુદ છેક નીચેના તળાવમાં તેને જોઈને જ વિકસશે – ઈશ્વરે મને એ જ અધિકાર આપ્યો છે - મહેશ્વર કે મહેશ્વરીને કપાળે સરસ્વતીચંદ્ર ચંદ્ર પેઠે ચળકશે ને દૂર પૃથ્વી પર ખાબોચીયામાં પડી પડી રંક કુમદમાળ તો એ પિતા ક્‌હે કે માતા ક્‌હે તે દેવને ચરણે રહી એ ચંદ્રનાં માત્ર કીર્તિકિરણને પોતાના હૃદય ઉપર ધારશે –

ગરબે રમવાને ગોરી નીસર્યો રે લોલ,
શિરે ચન્દ્ર ને પગે તે કુમુદને ધર્યા રે લોલ !

- એ ભાલતિલક ને હું ચરણકમળ – એમજ નિર્માણ થયલું છે.

કુસુમ– એમ ર્‌હેવાનું તમારું ભાગ્ય હોય તો તે પણ શું ખોટું છે ?

કુમુદ૦-સુંદરગિરિનાં આભલાંમાં એ ચન્દ્ર ઢંકાઈ ર્‌હે તો કુમુદ તેની કીર્તિના પ્રકાશનો ફાલ જોઈ શકે એમ નથી, ને તે નહીં જોઈ શકે તો ત્હારી કુમુદ અકાળે કરમાશે ! કુસુમ ! વગર વાદળના સ્વચ્છ આકાશના તારામંડળમાં જ્યારે ચન્દ્ર પૂર્ણ પ્રકાશથી રાજ્ય કરી ર્‌હેશે ત્યારે જ કુમુદ એની સંપૂર્ણ કીર્તિને પ્રત્યક્ષ કરી ખીલી ર્‌હેશે !

કુસુમ૦– એ તો ખરું.