આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩૨


શું આવી ગયું જે ? આમ ઉંધા ઉંધા અર્થ કરતાં આ સાધુઓમાં રહી શીખ્યાં હશો ?

કુમુદ૦– જે સાધુઓમાં રહીને હું શીખી તે તને ઉંધા અર્થ કરનાર લાગતા હોય તો તેમના ભેગાં જવાને ઠેકાણે હું કહું છું ત્યાં જા.

કુસુમ૦- હવે આ પ્રકરણ બંધ કરીશું ?

કુમુદ૦– ગમે તો એ પ્રકરણને અને આપણે બેનો – બે સમાગમ સાથેલાગા બંધ કર, અને ગમે તો બે સમાગમને સાથેલાગા ચાલવા દે.

કુસુમ૦– જાઓ, પિતાજી, તમે, ગુણીયલ, ને સરસ્વતીચંદ્ર,-એ ચારનો એક જ મત થાય તો તે કરું – ને ત્રણમાંથી એક જણનો મત જુદો પડે તો મ્હારી મરજી પ્રમાણે કરું – તો ?

કુમુદ૦– એટલું કરીશ તો બહુ છે.

કુસુમ૦- જો, જો, હાં, છેતરાશો ! એ ચાર મત એક થવાના નથી; ને નહી થાય તો તમે મ્હારી મરજી પ્રમાણે ચાલવા બંધાવ છે ?– ને ભુલી, પાંચમો દાદાજીનો મત પણ ખરો. એક કાકીનો નહી.

કુમુદ૦– હા, હું યે બંધાઉ ને તું યે બંધા.

કુસુમ૦– બંધાવ જોઈએ.

કુમુદ૦– આ હું બંધાઈ – મ્હારું વચન છે.

કુસુમ૦– બંધાવ છો ? – જો જો હો ?

કુમુદ૦– હા, બંધાઈ પણ તું બંધ ને.

કુસુમ૦– હું યે નહી બંધાઉ ને તમે યે ન બંધાશો, બે જણ મોકળાં રહીશું.

કુમુદ૦– મને બાંધી હવે કાંઈ છુટાશે ?

કુસુમે નિઃશ્વાસ મુકયો : “ત્યારે શું હું બંધાઈ જ ?"

કુમુદ૦– શું કરવા નિઃશ્વાસ મુકે છે ? બે જણ બંધાયાં છીયે.

કુસુમ૦– એ તો કાંઈ ઠીક ન થયું.

કુસુમને ગળે હાથ મુકી, એને ઉઠાડી, એને સાથે લેઈ, કુમુદ તંબુબ્હાર નીકળી.

“કુસુમ, આ સામેની વાડોપાર ગુલાબના છોડ તું દેખે છે ? ” કુમુદે પુછ્યું.

કુસુમ૦– હા.