આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩૬


રાજહંસ આકાશમાં સંચરવા સમર્થ થાય એમ નથી અને કુમુદ, એમને જડ પૃથ્વી ઉપર નિરાહાર આયુષ્ય ગાળતા જોઈ પોતાના રંક આહારનો કોળીયો પામે એમ નથી. કુસુમ, હું ક્‌હેવાનું કહી રહી - તારું મનોગત કહી દે એટલે ગમે તો હું તરત જાઉં ને ગમે તો ત્હારી પાસે રહું ને સર્વથા નિશ્ચિન્ત અને કૃતકૃત્ય થાઉં. હું ત્હારા ઉપર બળ કરતી નથી ને કરવાની નથી ! સર્વના એકમત પ્રમાણે ચાલવાની ત્હેં હા કહી છે. અને તું તે પ્રમાણે ચાલીશ એ પણ હું જાણું છું. પણ તે વસ્તુ સર્વેને ગમતી હોય પણ ત્હારા હૃદયમાં જરી પણ અણગમતી હશે તો તેથી ત્હારો જન્મારો બગડશે તે મ્હારાથી નહીં ખમાય. માટે જ હું, ત્હારા મનને બુદ્ધિ આપી, ત્હારા મનને આ વાત ગમતી થાય તો જ તેમાં પ્રવૃત્ત થવા ઇચ્છું છું. ત્હારા હૃદયને એક ખુણે પણ આ વસ્તુ ન ગમતી હોય તો દુ:ખી કુસુમ કરતાં દુ:ખી કુમુદ સારી ! માટે મને ત્હારા મનની ખરેખરી વાત કહી દે કે તું સુખી શાથી થઈશ ? અનેક જનના કલ્યાણના આ કાર્યથી તું સુખી થાય એમ હોય નહી તો મ્હારે એ કાર્ય નથી અારંભવું. મ્હારો પોતાનો સંકલ્પ તો એટલો જ છે કે એ કાર્ય આરંભવાની ના ઠરશે તો હું માતાપિતાને અપકીર્તિ કે હાનિ ન વેઠવી પડે ને આ મહાત્માની મ્હારાથી દૃષ્ટિસેવા થાય એવી રીતે - પૃથ્વીનો સ્પર્શ કર્યા વિના ચંદ્ર તેની પ્રદક્ષિણા કરે છે તેમ – પરિવ્રાજિકામઠમાં આયુષ્ય પુરું કરીશ ! કુસુમ, તને કીયે માર્ગ સુખ થશે તે કહી દે ! કુમુદ તો દુ:ખમાં જન્મી છે, દુ:ખમાં વસી છે, ને દુ:ખમાં મરશે ! પણ સુખમાં જન્મેલી મીઠા જળની માછલી જેવી કુસુમને ખારા પાણીમાં નહી નાંખું. તું હસતા મુખથી કહી દે – મ્હારું મુખ હસે કે રુવે તેની રજ ચિન્તા તું કરીશ નહી ! કુસુમ, ત્હારું મનોગત કહી દે ને મને મુકત કર ! હવે બીજો એક શબ્દ નહી પુછું ને પુછ્યું તેટલાની ક્ષમા કરજે.

કુસુમન– બ્હેન, તમારા બોલે બોલ સાચા છે ને અનુભવના છે. તમે મ્હારું કલ્યાણ ઇચ્છો છો એવી મ્હારી શ્રદ્ધા છે ને એ કલ્યાણનો માર્ગ તમે બતાવો છો તે પણ સાચો છે એ તમે સ્પષ્ટ કર્યું તે હું પ્રત્યક્ષ કરી શકું છું વાંધો માત્ર એટલો છે કે મ્હારા હૃદયની કેવી વૃત્તિ છે તે હું સમજી શકતી નથી. વૈદ્ય આપણી નાડી જોઈ રોગ પારખી ઔષધ કરે તેમ તમે સર્વ મ્હારા હદયની પરીક્ષા કરી જે ઔષધ કરશો તેથી મ્હારું કલ્યાણ થશે એમ હું હવે માનું છું. મ્હારા શરીરમાં માંહ્ય શું છે તે હું જાણતી નથી તેમ મ્હારા હૃદયમાં કેવી નાડીયો છે તે