આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦

વીરo–“ ચક્રવર્તીની આજ્ઞાઓ ન્યાય્ય હોય કે અન્યાય્ય હોય પણ તમે તેનું ધારણ કરવાનું દાસત્વ સ્વીકારો છો ? શું અમારાં વર્તમાનપત્રો એમાંની અન્યાય્ય આજ્ઞાઓ સામે અભિપ્રાય આપવામાં અને દેશી રાજ્યોના અધિકારની વાતો કરવામાં થડથી જ ભુલે છે ?”

ચંદ્રo–“શું તમારી અને ચક્રવર્તીની વચ્ચેના પ્રશ્નોમાં ચક્રવર્તી, જાતે પક્ષકાર હોવા છતાં, ન્યાયાધીશ થાય તે વાતની યોગ્યતા આપ સ્વીકારો છો, અને એ સ્થિતિથી તમારા અધિકાર ઘસાતા નથી એવું આપ કહો છો ?”

વિદ્યાચતુર સ્મિત કરી બોલવા લાગ્યો: ” ના જી. ચક્રવર્તી અમારા અને તેના પોતાના પક્ષ વચ્ચે ન્યાયાધીશ થાય છે તે અયોગ્ય છે અને તેથી અમારા અધિકાર ઘસાય છે એ વાત હું સ્વીકારું છું પણ ભરતખંડના સામ્રાજયનો ન્યાય ચુકવવા ઈંગ્રેજ સરકારની ઉદારતાથી અથવા ચકોરતાથી ન્યાય આપનાર બીજું કોઈ ધર્માસન અમને મળે એ પ્રસંગ આવતા સુધી એ સામ્રાજ્યનાં યંત્રનાં વર્તમાન ચક્રોમાંથી કોઈ પણ ચક્રમાં એ ધર્માસનની ગતિની પ્રતિષ્ઠા ર્‌હેવી જોઈએ, તેમ ન ર્‌હે તો સરકારની અને અમારી અવ્યવસ્થા થાય ને ભયંકર રૂપ પકડે, અને એ અવ્યવસ્થા અટકાવવા કોઈની પાસે પણ ધર્માધિકારની પ્રતિષ્ઠા હોવી જોઈએ તો વિદ્યા, બુદ્ધિ, ધર્મવાર્તા અને સત્તામાં ભરતખંડમાં શ્રેષ્ઠ રાજાના હાથમાં જ તે ર્‌હેવી જોઈએ, અને તેવું રાજત્વ સાંપ્રત ચક્રવર્તી શીવાય આજ બીજા કોનામાં છે? ઇંગ્રેજ અધિકારીઓ ન્હાના-મ્હોટા અનેક દોષનું પાત્ર હોવા છતાં, એજ ચક્રવર્તીમાં સર્વશ્રેષ્ટ ગુણો છે અને તે ગુણના લાભ આગળ એ દોષ માલવિનાના છે. એ ગુણ તેમનામાંથી ઘસાય નહી અને એ દોષનો પ્રતીકાર થાય એ લક્ષ્ય ઉપર તરત અનુસંધાન કરવામાં અમારું ચાતુર્ય, અમારું બુદ્ધિબળ, અમારું માનસિક શૈાર્ય, અમારી સ્વતંત્રતા, અને અમારા ધૈર્યની ચ્‍હડાઈઓ યોગ્ય છે. પણ એ ચ્‍હડાઈઓ રાજાની બુદ્ધિ ઉપર પ્રધાનની રાજભકત બુદ્ધિ કરે તેવાં સાધનથી કરવાની છે. આ પ્રસંગમાં અમારું અને ઈંગ્રેજી હીન્દી પ્રજાનું ઘણુક અંશથી સમાનત્વ છે, અને પરસ્પરને સાહાય્ય આપવામાં ચક્રવતી પ્રતિ આપણા ધર્મનો અતિક્રમ નહી કરીયે ત્યાં સુધી કાંઈ બાધ મને લાગતો નથી. એટલુંજ નહી પણ એ સાહાય્ય આપવું એ આપણો એક ધર્મ છે. આ વિષયમાં વીરરાવજી અને ચંદ્રકાંતજીના અભિલાષ કેવળ ધર્મ છે.”