આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
ખેડા સત્યાગ્રહ – ૧


પૂરેપૂરી જાણ થાય એ રીતે તદ્દન જાહેર કરશો તો તમે જેને કનડગત માનો છે એવી કનડગત રહેશે જ નહીં. તમારી હિલચાલ તમે પોલીસને ખબર ન પડે એવી રીતે કરવાનો પ્રયત્ન કરો છો તેથી પોલીસ હેરાન થાય છે અને એ તમને હેરાન કરે છે. એમ તો મારી પાછળ પણ પોલીસ હોય છે પણ હું તો ઘણી વાર એની મદદ લઉં છું અને એ લોકો મારા મિત્ર બની જાય છે. પંડ્યાજી જેમ જેમ ગાંધીજીના પરિચયમાં આવતા ગયા તેમ તેમ ત્રાસનીતિનું મિથ્યાત્વ તેમને પ્રતીત થતું ગયું અને અહિંસા ઉપર શ્રદ્ધા બેસતી ગઈ. ખેડાની લડતના મૂળ ઉત્પાદકનો આટલો પરિચય વાચક અસ્થાને નહીં ગણે.

સને ૧૯૧૭ના ચોમાસામાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ. સામાન્ય રીતે ત્યાં વરસાદની સરેરાશ ત્રીસ ઇંચની છે પણ એ સાલ લગભગ સિત્તેર ઈચ વરસાદ પડ્યો. વળી છેક દશેરા પછી પણ વરસાદ પડી રહ્યો એટલે પહેલી વારનું વાવેતર વરસાદમાં ધોવાઈ ગયા પછી બીજી વારના વાવેતરની શક્યતા રહી નહીં. આમ ચોમાસુ પાક બિલકુલ નિષ્ફળ ગયો. ઢોર માટે ઘાસચારો પણ વધારેપડતા પાણીને લીધે કહોવાઈ ગયો. પાણી વધારે પડ્યું હોય ત્યારે શિયાળુ પાક, જેને રવી પાક કહે છે, તે સારો થવાની આશા રહે પણ તેમાં ઉંદરનો ઉપદ્રવ થયો અને જુદી જુદી જાતના રોગ લાગ્યા તેથી એ પાકને પણ બહુ નુકસાન થયું. આમ આખું વરસ લગભગ નિષ્ફળ ગયું અને ગરીબ લોકોને તથા ઢોરને ખાવાનું મેળવવાની ભારે મુશ્કેલી ઊભી થઈ. આવી મુશ્કેલીમાં લોકો જમીનમહેસૂલ ક્યાંથી લાવીને ભરે એ મોટો સવાલ હતો.

જ્યારે વરસાદ નથી પડતો અને સૂકો દુકાળ પડે છે ત્યારે સમાજમાં એક જાતનો ત્રાસ ફેલાઈ જાય છે અને કડક સરકારી અમલદારના દિલમાં પણ મહેસૂલઉઘરાતની બાબતમાં છૂટછાટ મૂકવાની અને બીજી રાહત આપવાની લાગણી થઈ આવે છે. મહાજનો પણ દુકાળ સંકટ નિવારણનાં કામો કરવા બહાર પડે છે. પણ લીલા દુકાળમાં ભારે નુકસાન થયું હોય છતાં તેનો ત્રાસ એટલો ઉઘાડો દેખાતો નથી. સરકારી અમલદારને તો આ વર્ષે મહેસૂલમાં છૂટછાટ મૂકવાની જરૂર છે એવો વિચાર જ ક્યાંથી આવે ? મહેસૂલઉઘરાતની બાબતમાં કાયદો એવો છે કે દર વર્ષે પાકની આનાવારી કાઢવી અને પાક છ આનીથી ઓછો ઊતર્યો હોય તો અર્ધું મહેસૂલ લેવાનું મુલતવી રાખવું અને ચાર આનીથી ઓછો ઊતર્યો હોય તો આખું મુલતવી રાખવું તથા તે પછીનું વર્ષ પણ ખરાબ નીવડે તો આગલા વર્ષનું મુલતવી રાખેલું મહેસૂલ માફ કરવું. અત્યાર સુધી કેટલીયે વાર વરસ તો ખરાબ નીવડ્યાં હશે પણ લોકો અજ્ઞાન અને રાંક હોવાથી તેમણે કાંઈ તકરાર ઉઠાવેલી નહીં. અમલદારોને પોતાને ઠીક લાગ્યું હશે ત્યારે તેમણે ક્વચિત્‌ મુલતવી કે માફી આપી હશે.