આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
ખેડા સત્યાગ્રહ - ૧


કામમાં ઉશ્કેરણીથી ઊભી કરવામાં આવેલી અને જિલ્લા બહારના માણસોથી ચાલતી રાજદ્વારી ચળવળની દખલ નામદાર સરકાર ચાલવા દેશે નહીં.”

આ યાદીના ખબર ગાંધીજીને તારથી આપવામાં આવ્યા. તેનો જવાબ તેમણે તારથી આપ્યો કે:

“ના. પારેખ-પટેલ જેમણે સ્થાનિક તપાસ કરી છે, તેમણે દાખલા-દલીલો સાથે સચોટ જવાબ આપવો જોઈએ. સ્વતંત્ર તપાસની માગણી માટે આગ્રહ કરો. લડતની ઉત્પતિ પ્રજાવર્ગમાંથી થઈ છે, તે તથા પારેખ-પટેલ અને ગુજરાત સભાએ પ્રજાની માગણીથી જ મદદ કરી છે એમ સાબિત કરો. જે ખેડૂતોને મહેસૂલ ભરવા માટે દેવું કરવું પડે કે ઢોર વેચવાં પડે એમ હોય તેઓ પોતાની મેળે એમ ન કરે, ભલે સરકાર તેમ કરી લે એવી સલાહ આપતાં હું અચકાઉં નહીં. સંકટનું કારણ સાચું અને કામ કરનારા બાહોશ હોય તો લડતમાં જરૂર ફતેહ મળવી જોઈએ.”

સરકારી યાદીના જવાબ ના. પારેખ-પટેલે, ગુજરાત સભાએ તેમ જ શ્રી શંકરલાલ પરીખે દાખલાદલીલો સાથે વિસ્તારપૂર્વક આપ્યા. તેમાં કલેક્ટરની ‘બારીક અને કાળજીપૂર્વક તપાસ’ બાબત જણાવવામાં આવ્યું કે તા. ૧૫મી ડિસેમ્બરે તો તેમણે ના. પારેખ-પટેલની મુલાકાત લીધી, તા. ૧૯મીએ આનાવારી પત્રકો દરેક તાલુકાએથી તેમના તરફ રવાના કરવામાં આવ્યાં અને તા. ૨૨મી ડિસેમ્બરે તો તેમણે પોતાના હુકમ બહાર પાડ્યા. ત્યારે જિલ્લામાં છ સો ગામની બારીક અને કાળજીપૂર્વક તપાસ તેમણે ત્રણ દિવસમાં શી રીતે કરી? ગુજરાત સભાએ પોતાના જવાબમાં જણાવ્યું કે, સભાને ટીકા કર્યા વગર નથી ચાલતું કે મોટરમાં બેસી ઝપાટાબંધ હંકારી જતાં જોયેલા પાક ઉપરથી કાઢેલા અડસટ્ટાને, કે ડેરાતંબૂ ઠોકી કરવામાં આવેલા મુકામની પાસેનાં ખેતરોમાં ઊંચી નજરે જોઈ લઈને મેળવેલી માહિતીને ‘કાળજીપૂર્વક કરેલી તપાસ’ ન કહેવાય. તેમ રેલવે ગાડીમાં મુસાફરી કરતાં દૃષ્ટિએ પડતાં ખેતરોની સ્થિતિ જોવાથી પણ સમસ્ત જિલ્લાના પાક સંબંધી પૂરો ખ્યાલ કોઈ કાળે આવી શકે નહીં. ગુજરાત સભા એ ખેડા જિલ્લા બહારની કોઈ સંસ્થા નથી પણ આખા ગુજરાતની સંસ્થા હોઈ ખેડા જિલ્લાના ઘણા વતનીઓ તેના સભાસદ છે. આખા ગુજરાતના કામમાં તે રસ લે છે અને આખા ગુજરાતના કામની જવાબદારી ધરાવે છે. તે ખેડા જિલ્લાના ખેડૂતોને ઉશ્કેરવા ઇચ્છતી નથી પણ તેમના ઉપરની આફતના વખતમાં તેમને મદદ કરવા ઈચ્છે છે. વળી ખેડૂતો ઉપરની વિપત્તિઓને લગતી અરજીઓ અને ખેડૂતોને આપેલી સલાહમાં રાજકીય હેતુનું આરોપણ કરવું એ પણ વિચિત્ર છે. અને જિલ્લાને ‘ધનવાન અને આબાદ’ કહીને તેની માગણીને ઉડાવી દેવી એમાં તો તેની ક્રૂર હાંસી છે. છેલ્લાં ચાળીસ વર્ષમાં તેની વસ્તીમાં અગિયાર ટકાનો ઘટાડો થયો છે તે ઉપરથી તેની ‘ફળદ્રુપતા અને સમૃદ્ધિ’