આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
સરદાર વલ્લભભાઈ


લઈ નડિયાદ આવવાનું હતું. ગાંધીજીએ જાતે ૩૦ ગામેની તપાસ કરી. સરદારની ટુકડીએ પણ એટલાં જ ગામની તપાસ કરી. જિલ્લાનાં ૬૦૦ ગામમાંથી ૪૨૫ ગામની તપાસના હેવાલ અઠવાડિયાને અંતે મળી ગયા. તે ઉપરથી તા. ૨૬મીએ ગાંધીજીએ કલેક્ટરને કાગળ લખ્યો :

"મેં જાતે કરેલી તપાસ અને મારી સાથે કામ કરનાર ભાઈઓએ મેળવેલી હકીકત ઉપરથી મારી તો ચોક્કસ ખાતરી થઈ છે, છતાં તમને તેથી સંતેષ ન થતો હોય તો સરકારી અને પ્રજાકીય ગૃહસ્થના પંચ મારફત તપાસ કરાવવાનો સમય હજી પણ વીતી ગયો નથી.
“હું જોઉં છું કે ખાતેદારો ઉપર સખત દબાણ થવાથી હજારો ખેડૂતોએ પહેલા હપ્તાની રકમ ભરી દીધી છે અને કેટલાકે બંને હપ્તા સામટા ભરી દીધા છે. આ માટે કેટલાકને ઢોર વગેરે વેચવાની ફરજ પડી છે. . . આ સાથે જે ગામમાં પાક ચાર આની અથવા તેથી ઓછો ઊતર્યો છે તેની યાદી આપી છે. હું આશા રાખું છું કે તે ગામોએ મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવાના હુકમો કાઢશો.”

ગામોની આનાવારીનાં પત્રક કલેક્ટરને મોકલ્યાં તે ઉપરથી આનાવારી ગણવાની રીત બાબત એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો. વડથલ નામના ગામની ગાંધીજીએ જાતે તપાસ કરી હતી. ત્યાં પાટીદારોની વસ્તી મોટા પ્રમાણમાં છે. તેઓ સારા ખેડૂતો છે. સીમમાં કૂવાની સંખ્યા પણ મોટી છે, જમીન સારી કસવાળી છે. આ ગામના ખેડૂતો સાધારણ સારા વર્ષમાં ખરીફ (ચોમાસુ) અને રવી (શિયાળુ) બંને પાક લે છે. આ ગામમાં પાક બે આની ઊતર્યો ગણાય એમ ગાંધીજીએ પોતાની તપાસમાં કાઢ્યું. આ ગામ જિલ્લામાં સારામાં સારા પૈકીનું ગણાતું હોવાથી અને ગાંધીજીએ જાતે ત્યાં તપાસ કરેલી હોવાથી ત્યાંનું જે પરિણામ આવે તેથી સારું પરિણામ જિલ્લાના કોઈ ગામનું સંભવે એમ નહોતું. એટલે ગાંધીજીએ કલેક્ટરને સૂચવ્યું કે તમે આ ગામની ચોક્કસ તપાસ કરો અને તમારી તપાસ વખતે મને હાજર રહેવાની તક આપો. પણ હાજર રાખવાની ગાંધીજીની વિનંતી ધ્યાનમાં ન લેતાં કલેક્ટરે એકલાએ તપાસ કરી અને ગામના પાક સંબંધી લાંબી નોંધ તૈયાર કરી. આ ગામની આનાવારીની સરકારની મૂળ આંકણી બાર આનાની હતી. કલેક્ટરે પોતાની એકતરફી તપાસને પરિણામે ઓછામાં ઓછી સાત આની હોવાનું જણાવ્યું. સરકારની આનાવારી કાઢવાની રીત એવી હતી કે આખા ગામના પાકના એકંદર ઉતારને તે જેટલી જમીનમાં વાવવામાં આવ્યા હોય તેના ક્ષેત્રફળથી ભાગી નાખવામાં આવે. વળી ખરીફ પાકની તેમ જ રવી પાકની બંને આનાવારીઓનો સરવાળો કરવામાં આવે. કલેક્ટરે તા. ૭મી માર્ચના રોજ આ બાબતનો ખુલાસો કરતો પત્ર ગાંધીજીને લખ્યો. તેમાં જણાવ્યું :