આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
ખેડા સત્યાગ્રહ - ૨


બેદિલી અને વિરોધને પોષણ આપ્યું. છેલ્લાં પચાસ વર્ષમાં સ્વમાની અને ઝિંદાદિલ હિંદીઓમાં બ્રિટિશ હકૂમતથી આઝાદ થવાની જે તમન્ના જાગી તેમાં આવા અમલદારોની તુમાખીનો ફાળો ઘણો મોટો હતો. ગાંધીજી જેવાની બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની ચુસ્ત વફાદારીના મૂળમાં કુહાડી, આવા અમલદારોનાં આપખુદ અને જુલમી કૃત્યોએ જ મારી હતી. તેમની માન્યતાઓ પ્રામાણિક હોવાનો સંભવ છે પણ તેની સાથે તેમનું ‘દયાળુ’પણું, ‘માબાપ’પણું અને પોતાના ‘છેવટના હુકમ’ની સામે ‘રૈયત’થી થવાય જ નહીં એ જાતનો તેમનો ઘમંડ, એણે જ ગાંધીજી અને સરદાર જેવા અનેક મોટાનાના બહારવટિયાઓ પેદા કર્યા અને સામ્રાજ્યની ઘોર ખોદી.

જમીન સંબંધી આ અમલદારોની બીજી એક માન્યતા, જે આ ભાષણમાં વખતોવખત પ્રગટ થાય છે, તે પણ નોંધવા જેવી છે. આપણે જેમને જમીનના માલિક કહીએ છીએ તેમને જમીનમહેસૂલના કાયદામાં ‘કબજેદાર’ કહેલા છે. એ કબજેદારો જમીનનો ભોગવટો વંશપરંપરા કરી શકે પણ તે એક જ શરતે કે સરકાર વખતોવખત જે મહેસૂલ ઠરાવે તે તેણે નિયમસર, બિનતકરારે ભરવું જોઈએ. મહેસૂલ ભરવામાં કોઈ પણ કારણે તે કસૂર કરે તો સરકાર તેની તમામ જમીન ખાલસા કરી શકે એવો સરકારનો દાવો હતો. બીજા સરકારી કરોની બાબતમાં આવું નથી હોતું. માણસ કર ભરવામાં કસૂર કરે તો કર અને વસૂલાતના ખર્ચની અંદાજે જેટલી રકમ થાય તેટલી કિંમતનો માલ જપ્તીમાં લેવામાં આવે અને એ માલની જે કિંમત ઊપજે એમાંથી પોતાનું લેણું કાપી લઈ કાંઈ રકમ બાકી રહે તો સરકાર તે આસામીને મજરે આપે. પણ જમીન મહેસૂલનો કર નહીં ભરવાને કારણે તો જમીન ખાલસા કરવામાં આવે એટલે જમીન ધારણ કરનાર તેના ઉપરના તમામ હક ગુમાવે. એ જમીન સરકાર બીજાને આપે તો ઊપજેલી કિંમતમાંથી જમીન મહેસૂલને અંગે પોતાનું જે લેણું હોય તે કાપી લઈ વધારાની રકમ જમીનના અસલ ધારણ કરનારને ન મળે. તેથી જ સરકાર એને માલિક નહીં પણ કબજેદાર કહે છે. ગાંધીજીનો જબરો વાંધો સરકારના આ જાતના દાવા સામે હતો, અને તેથી જ તે આ લડતમાં ખેડૂતોને કહેતા કે આવી રીતે કોઈની જમીન જશે તો તે માટે હું બહારવટું લઈશ. સને ૧૯૨૮ની બારડોલીની લડત વખતે, તેમ જ ૧૯૩૦–’૩૨ના સત્યાગ્રહ વખતે જેમની જમીન ખાલસા કરવામાં આવી હતી તેમની જમીન પાછી મેળવવામાં આ જ મુદ્દો ઉપસ્થિત થયો હતો.

મિ. પ્રૅટની સભા પૂરી થયા પછી જિલ્લામાંથી આવેલા બધા ખેડૂતો ગાંધીજી પાસે ગયા. તેમને ગાંધીજીએ પ્રતિજ્ઞાનું મહત્ત્વ સમજાવ્યું અને પ્રતિજ્ઞા