આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
ખેડા સત્યાગ્રહ - ૨

ચઢવાનો રસ્તો રહેલ છે. મારી ખાતરી છે કે એ રસ્તો તમે કદી નહીં છોડશો. ઈશ્વર એ પ્રતિજ્ઞા પાળવાનું તમને બળ આપે એવું ઇચ્છું છું.”

લડતને અંગે ઘણા સ્વયંસેવકોને ગામડાંમાં ફરવાનું થતું, અને કેટલાકને દિવસો સુધી ગામડે રહેવું પડતું. તેઓ ગામ ઉપર બોજારૂપ ન થઈ પડે એટલું જ નહીં પણ ઉપયોગી થઈ પડે એટલા માટે તેમને સારુ ગાંધીજીએ સૂચનાઓ બહાર પાડી. તેમાં સત્ય અને અહિંસા એટલે દ્વેષભાવ ન રાખવો, ઉદ્ધતાઈ ન કરવી, સંપૂર્ણ વિનય રાખવો એ સૂચનાઓ હતી જ. તે ઉપરાંત એમ કહ્યું હતું કે આપણે સત્તાના મદની, આંધળા અમલની સામે થઈ એ છીએ, પણ બધી સત્તાની સામે નથી થતા એ ભેદ ગોખી રાખવાની જરૂર છે. એટલે અમલદારોને તેમનાં બીજા કાર્યોમાં પૂરી મદદ કરવી એ આપણી ફરજ છે. વળી ગામડાંના લોકોની ઓછામાં ઓછી સેવા લેવી. જ્યાં ચાલીને જવાય ત્યાં વાહનનો ઉપયોગ ન કરવો, સાદામાં સાદું ભોજન લેવાનો આગ્રહ કરવો, પકવાન કરવાની મનાઈ કરવી, તેમાં જ તમારી સેવા શોભશે. આ ઉપરાંત ગામડાંમાં ફરતાં લોકોની આર્થિક સ્થિતિ, કેળવણી સંબંધી ખામીઓ વગેરેનું અવલોકન કરવું ને બચતા વખતનો ઉપયોગ ખામીઓ જણાય તે દૂર કરવામાં કરવો.

હજી મિ. પ્રૅટ સાથે સમાધાનની વાતો કરવાનું ગાંધીજીએ છોડલું જ ન હતું. મસલત કરવા માટે મળવાની માગણીના જવાબમાં પ્રૅટ સાહેબે લખ્યું:

“તમારાં સઘળાં હથિયાર છોડી દઈ મસલત કરવા આવવું હોય તો જ્યારે આવો ત્યારે તમારે માટે બારણાં ખુલ્લાં છે. મારા હાથ તો કાયદા અને વહીવટના નિયમથી બંધાયેલા છે.”
ગાંધીજીએ જવાબમાં લખ્યું :
“હું તો સત્યાગ્રહી છું. મારાં હથિયાર તો શું પણ મારું સર્વસ્વ હું બીજી રીતે અર્પણ કરી દઉં, પણ સિદ્ધાંત તો મરણ પર્યંત મારાથી ન જ છોડાય.”
બીજા એક કાગળમાં લખ્યું :
“તમારા મનમાં હોમરૂલવાળાઓ માટે ખોટો ખ્યાલ ભરાઈ ગયો છે. તેમનામાં જે સારા ગુણો છે તેનો તમે પણ મારી પેઠે ઉપયોગ કરો. . . . ખેડા જિલ્લાની પ્રજા અંધશ્રદ્ધામાં દોરાય છે એમ હું લેશ પણ જોતો નથી. મને ખાતરી છે કે જો તેઓ મારી સલાહ માનશે તો તેમને નૈતિક અને આધ્યાત્મિક નુકસાન તો નહીં જ થાય.”

બીજી તરફથી આ લડત પ્રત્યે સુશિક્ષિત લોકોની સહાનુભૂતિ મેળવવા સર નારાયણ ચંદાવરકર, સર સ્ટેનલી રીડ, શ્રી નટરાજન, નામદાર શાસ્ત્રિયાર