આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
સૈન્યભરતી


અને મધ્યમ વર્ગ સ્વેચ્છાએ મદદ કરશે તો તેમની ઉપરનો અવિશ્વાસ દૂર થશે. અને જેને શસ્ત્ર ધારણ કરવાં હશે તે સુખેથી કરી શકશે.” કમિશનરને આ વાક્ય બહુ કઠતું હતું. પણ બધું છેક ઉપરથી નક્કી થયું હતું એટલે “આ બાબતમાં તમારી અને મારી વચ્ચે મતભેદ છે” તે ઉપરાંત કમિશનર સાહેબ વિશેષ કાંઈ કહી શક્યા નહીં. ગુજરાતમાં જ તાલીમ કેન્દ્ર ખોલાવું જોઈએ એવો ગાંધીજીનો આગ્રહ હતો. તેમની દલીલ એ હતી કે પ્રાંતના આગેવાન ગણાતા લોકોને લશ્કરી તાલીમ લેતા, કૂચ, કવાયત, નિશાનબાજી એવું બધું કરતા લોકો જોશે એટલે તેમને ઉત્સાહ આવશે અને પહેલી ટુકડી રણમેદાનમાં જવા નીકળી પડશે એટલે તો ઘણા લોકો જોડાશે. આ મુદ્દા ઉપર લખાપટ્ટી અને વાટાઘાટો ચાલતી હતી એટલામાં ગાંધીજી સખત માંદા પડ્યા. લશ્કર ભરતી માટે ગાંધીજી ખેડા જિલ્લામાં ફરતા તે વખતે તેમને મરડાની સખ્ત બીમારી ભોગવવી પડી હતી. સાજા થયા પછી તેઓ આશ્રમમાં આવ્યા. ત્યાં એમની જન્મતિથિનો દિવસ એટલે ભાદરવા વદ ૧૨ તા. ૧–૧૦–’૧૮નો આખો દિવસ સહુને મળવા મૂકવામાં તેમણે ગાળ્યો. પણ રાત્રે લગભગ બાર વાગ્યે એકાએક તેમને એટલી બધી ગભરામણ થઈ આવી કે તત્કાળ પ્રાણ નીકળી જશે એમ લાગ્યું. આશ્રમનાં મુખ્ય મુખ્ય માણસોને જગાડી સૂચનાઓ આપી દીધી. સરદારને બોલાવવા માણસ મોકલ્યો. તે બે વાગ્યે ડૉ. કાનુગાને લઈને આવ્યા. સરદારને આશ્રમની ભાળવણી કરી અને બની શકે તો આશ્રમમાં રહેવા આવવા પણ કહ્યું. ડૉ. કાનુગાએ ગાંધીજીને તપાસ્યા તો તેમને કાંઈ ગભરાવા જેવું ન લાગ્યું. નાડી, હૃદય બધું બરાબર હતું. પણ ગાંધીજીને ભારે અશક્તિ લાગતી હતી. પથારીમાં હલનચલન કરવું પણ મુશ્કેલ અને કષ્ટદાયી લાગતું હતું. લગભગ એક અઠવાડિયું મરણોન્મુખ થઈને ગીતા તથા પોતાનાં પ્રિય ભજનો સાંભળવામાં દિવસો ગાળ્યા. પછી અંતરમાંથી પ્રેરણા થઈ અને જિજીવિષા જાગ્રત થઈ. પથારીવશ તો બે એક મહિના રહેવું પડેલું. તેવામાં એક દિવસ સરદાર ખબર લઈને આવ્યા કે, કમિશનરે કહેવડાવ્યું છે કે, જર્મનીની પૂરી હાર થઈ છે અને સૈન્યભરતી કરવાની હવે કશી જરૂર રહી નથી. આમ આ પ્રકરણ પતી ગયું.

ગાંધીજી અહિંસક હોવા છતાં એમણે સૈન્યભરતીનું કામ કેમ ઉપાડ્યું એ વિષે દેશમાં અને વિદેશમાં ખાસ કરીને અહિંસાવાદી મિત્રો તરફથી ઘણી ચર્ચા ઊપડી. તેના જવાબ ગાંધીજીએ આપ્યા છે તેમાં ઊતરવાનું આ સ્થાન નથી. અહીં એટલું જ નોંધીશુ કે પહેલી ટુકડીના સેનાપતિ તરીકે ગાંધીજી અને ઉપસેનાપતિ તરીકે સરદાર જવાના હતા. તેમાં ગાંધીજીએ જાહેર કર્યુ હતું કે પોતે રણમેદાનમાં ટુકડીને મોખરે રહેશે પણ બિલકુલ શસ્ત્ર ધારણ કરશે નહીં.