આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
અસહકાર

હિંદના મુસલમાનોને આપેલાં પવિત્ર વચનોનો ભંગ કરી, તે કોમની લાગણીનો અનાદર કરી, કેવળ સ્વાર્થબુદ્ધિથી મિત્ર રાજ્યોએ ખલીફની સત્તાને નાશ કર્યો છે. આ અન્યાયથી આખી મુસલમાન કોમનું હૃદય ચિરાઈ ગયું છે. . . . મુસલમાનોની આવી દુ:ખી સ્થિતિમાં હિંદુઓ તટસ્થ રહી શકતા નથી. . . .

“કેટલાક એવી દલીલ કરે છે કે તુર્કીના પ્રતિનિધિઓએ સુલેહની શરતો સ્વીકારીને સહી કરી દીધી એટલે હવે હિંદુસ્તાનને બોલવાનો શો હક છે? બંદૂક બતાવી કરાવેલી સહીથી અન્યાય કાંઈ ન્યાય થતો નથી. અને ન્યાય માગનારનો હક તેથી નાબુદ થતો નથી. પંજાબમાં માર્શલ લૉ દરમિયાન પંજાબીઓને પેટે ચલાવનાર અમલદારોએ એવો વિચિત્ર બચાવ કરેલો કે લોકો ખુશીથી પેટે ચાલતા હતા અને કેટલાક તો આ હુકમ ઉપર ફિદા થઈ બબ્બે ત્રણ ત્રણ વખત પેટે ચાલી ગયા અને છેવટે તેમને રોકવા પડ્યા. વળી તેમણે એમ પણ કહેલું કે માર્શલ લૉ લોકોને એટલો બધો ગમ્યો કે તેઓ ‘માર્શલ લૉ કી જય’ બોલવા લાગ્યા અને માર્શલ લૉ ચાલુ રાખવાની આજીજીઓ કરવા લાગ્યા. આથી શું માર્શલ લૉના અન્યાય વિરુદ્ધ બોલવાનો હક જતો રહ્યો?”

ગાંધીજી જેઓ અત્યાર સુધી બ્રિટિશ સામ્રાજ્યને ભારે વફાદાર હતા, બ્રિટિશ પ્રજા ઉપર મોહિત હતા અને તે સાથે શુદ્ધ સહકાર કરવામાં માન સમજતા તેઓ પણ અસહકાર કરવાની સલાહ આપે છે, એમ કહી ૧૯૧૯ની છેલ્લી સહકારી કૉંગ્રેસનું એક દ્રશ્ય વર્ણવે છે:

“આ સ્થળે અમૃતસરની કૉંગ્રેસના છેલ્લા દિવસની બેઠકનો ચિતાર મારી આંખ આગળ ખડો થાય છે. હિંદુ, મુસલમાન અને શિખના લોહીથી તાજી ખરડાયેલી જલિયાંવાલા બાગની ભૂમિનો સ્પર્શ કરી, પંજાબના અત્યાચારોથી ક્રોધે ભરાયેલા ડેલીગેટોથી ચિકાર મંડપ વચ્ચે મહાત્મા ગાંધીજીએ ટોપી ઉતારી શુદ્ધ સહકારનો માર્ગ ગ્રહણ કરવા અને શહેનશાહી ઢંઢેરાનાં ઉદાર વચનો ઉપર વિશ્વાસ રાખી મિત્રતાનો લંબાવેલો હાથ પ્રેમથી પકડી લેવા અને અવિશ્વાસનો ત્યાગ કરવા ગદગદ કંઠે પ્રાર્થના કરી. [૧] તે જ મહાત્મા આજે આખા હિંદુસ્તાનમાં અસહકારનો પોકાર મુક્ત કંઠે કરી રહ્યા છે.”

  1. હિંદુસ્તાનમાં નવા દાખલ થનારા રાજકીય સુધારાને લગતા બાદશાહી ઢંઢેરામાં અમૃતસરની કૉંગ્રેસ વખતે ગાંધીજીની આંખ આશાનાં કિરણો જોતી હતી. પંજાબ ને ખિલાફતના પ્રશ્નો તે વખતે પણ હતા જ. પણ તે વખતના ભારત મંત્રી મૉન્ટેગ્યુ હિંદને દગો નહીં થવા દે એમ ગાંધીજી આશા રાખતા હતા. દેશબંધુ દાસનો દૃઢ અભિપ્રાય હતો કે સુધારાને છેક અસંતોષકારક અને અધૂરા ગણી ફેંકી દેવા જોઇએ. લોકમાન્ય એટલે સુધી નહોતા જતા છતાં દેશબંધુ જે ઠરાવ પસંદ કરે તેની તરફ પોતાનું વજન નાખવાનો એમનો નિશ્ચય હતા. આ