આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
સરદાર વલ્લભભાઈ

તા. ૨૪-૮-’૨૧ને બુધવારની સાંજના પાંચ વાગ્યા સુધીમાં મ્યુનિસિપલ સ્કૂલેાના મહે○ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને આપી જવી. જેથી તેમને મહે○ ડિરેક્ટર સાહેબે નક્કી કરેલી મુદત દરમિયાન છૂટા કરી મોકલી આપવાની ગોઠવણ કરવામાં આવશે.”

આના જવાબમાં મ્યુનિસિપાલિટીના ત્રણસો ઉપર શિક્ષકોમાંથી માત્ર અગિયાર જ જવા તૈયાર થયા.

કેળવણી ખાતાના ડિરેક્ટરનો કાગળ મ્યુનિસિપલ પ્રેસિડેન્ટને તા. ૧૮-૮-’૨૧ના રોજ મળ્યો હતો અને તેમાં લખ્યા પ્રમાણે ત્યારથી દસ દિવસ સુધીમાં એટલે તા. ૨૭મી સુધીમાં જે શિક્ષકો મ્યુનિસિપલ નોકરી ન છોડે તેઓને કદી પણ સરકાર સાથે સંબંધ ધરાવતી કોઈ પણ શાળામાં લેવાના ન હતા. છતાં તેમનો ઘા નકામો ગયો એટલે તા. ૨૮-૮-'ર૧ના અમદાવાદ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટરે ‘ગુજરાતી પંચ’ પત્રમાં નીચે પ્રમાણે જાહેરખબર આપી :

નવી સરકારી પ્રાથમિક શાળાઓ
સરકાર તરફથી કેટલીક પ્રાથમિક શાળાઓ અમદાવાદ શહેરમાં ઉઘાડવાની છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી સરકારી નોકરીમાં પાછા આવનાર શિક્ષકોને જગ્યા આપવામાં આવશે. જે શિક્ષકો સરકારી પેન્શનનો હક અને પાછલી નોકરીનો લાભ ખોવા ઇચ્છતા ન હોય તેમણે મહે○ ડિરેક્ટર સાહેબ બહાદુરના ઠરાવ મુજબ દસ દિવસની અંદર અમને આવીને મળવું.

આ જાહેરખબર તા. ૪થી સપ્ટેમ્બરના અંકમાં ફરી આપવામાં આવી એટલે પેલી ‘પછી કદી પણ નહીં લેવામાં આવે’વાળી ધમકી તો હવામાં ઊડી ગઈ. પછી એજ્યુકેશનલ ઇન્સપેક્ટરે પોતાની જાહેરખબર મુજબ કેટલીક સરકારી શાળાઓ ખોલી અને વિદ્યાર્થીઓના વાલીઓ ડરીને પોતે ખોલેલી શાળાઓમાં બાળકોને મોકલે એ હેતુથી ડેપ્યુટી એજયુકેશનલ ઇન્સ્પેક્ટરે નીચે મુજબની જાહેરખબર કાઢી :

જાહેરખબર
અમદાવાદ, નડિયાદ અને સુરતની મ્યુનિસિપાલિટીઓએ પોતાના તાબાની શાળાઓને સરકારી અંકુશ અને દેખરેખથી સ્વતંત્ર બનાવવા ઇચ્છા જાહેર કરી છે. તેથી કેળવણી ખાતાના મહે○ ડિરેક્ટર સાહેબના નં. સા. ૧૮ તા. ૩૧-૮-૨૧થી સદરહુ શાળાઓને સરકારે મંજૂર રાખેલી શાળાઓની યાદીમાંથી કાઢી નાખવામાં આવી છે. હવે પછી આ શાળાઓએ આપેલાં લીવિંગ સર્ટિફિકેટો ખાતાએ સ્વીકારેલી કોઈ પણ શાળા સ્વીકારશે નહીં.
૩-૯-'૨૧