આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


માતાપિતા

પોતાની ઑફિસમાં ત્રીસેક વર્ષની વયના વકીલ વલ્લભભાઈ આરામ ખુરશીમાં પડ્યા પડ્યા બાજુમાં પડેલો રબરની લાંબી નેહવાળો હુક્કો ગગડાવી રહ્યા હતા. બોરસદ, તાલુકાનું મુખ્ય ગામ પણ મુંબઈ કે અમદાવાદ જેવાં મોટાં શહેરોને મુકાબલે ગામડા જેવું ગણાય. ઑફિસનું બધું ફર્નિચર ફેશનેબલ કે ફેન્સી નહોતું પણ બોરસદના પ્રમાણમાં સારું હતું, અને સુઘડ રીતે ટાપટીપથી ગોઠવેલું હતું. આખો ઓરડો ઢંકાય એવી જાજમ સાફ અને જરા પણ કરચલી વિનાની પાથરેલી હતી. વકીલસાહેબના ટેબલની સામે છેડે ખુરશીઓ ગોઠવેલી હતી. તે ઉપરાંત ગાદીતકિયાની પણ બેઠક હતી. ગાદીની ચાદર અને તકિયાના ગલેફ બગલાની પાંખ જેવાં સફેદ હતાં. ટેબલ તથા બધી ખુરશીઓ પોલિશ્ડ અને સ્વચ્છ હતાં. કબાટમાં ચોપડીઓ અને ફાઈલો બરાબર ગોઠવીને મૂકેલાં હતાં. આખા ઓરડામાં ખૂણેખાંચરે ક્યાંય પણ ધૂળ કે કચરાનું નામ ન હતું. બારીબારણાં બધું સાફ ઝાપટેલું હતું. તમામ વસ્તુઓ સાફ અને ચળકતી હતી. ઑફિસમાં કશું ભભકાવાળું ન હતું પણ જે કાંઈ હતું તે બધું પોતાને સ્થાને બરાબર ગોઠવેલું હતું.

એક વૃદ્ધ પણ તંદુરસ્ત અને કસાયેલા શરીરવાળા ટટ્ટાર પુરુષ દાદર ચઢીને ઉપર આવ્યા. તદ્દન સફેદ. પોશાક તેમણે પહેરેલો હતો. ધોતિયું, પહેરણ, ખેસ અને પાઘડી પણ સફેદ. બધાં જ કપડાં ઊજળાં દૂધ જેવાં હતાં.

એમને જોતાં જ મોંમાંથી હુક્કાની નેહ કાઢી નાખી વલ્લભભાઈ ઊભા થઈ ગયા અને બોલ્યા : “મોટાકાકા, તમે ક્યાંથી ?”

“ભાઈ, તારું કામ પડ્યું છે તેથી જ આવ્યો ને.”

“પણ મને કહેવડાવવું હતું ને? હું કરમસદ આવી જાત, લાડબાઈ ને પણ મળાત.”

“પણ કામ બોરસદમાં છે એટલે તને ત્યાં બોલાવીને શું કરું ?”

“એવું શું કામ છે ?”

“આખા જિલ્લામાં તારી હાક વાગે અને આપણા મહારાજ ઉપર વારંટ નીકળે એ કાંઈ ઠીક કહેવાય ? તું બેઠા છતાં મહારાજને પોલીસ પકડી શકે ?”