આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
સરદાર વલ્લભભાઈ

કૉંગ્રેસની પ્રાર્થના હું ઉચ્ચારું છું કે ઈશ્વર અમને એ કષ્ટ સહનની કસોટીમાંથી પાર ઊતરવા જેટલું અને બીજા પ્રાંતોની હારમાં ઊભા રહેવા જેટલું બળ આપે.”

આ કૉંગ્રેસમાં મુખ્ય ઠરાવ તો સામુદાયિક સવિનય ભંગને લગતો હતો. એ ઠરાવ ગાંધીજીએ રજૂ કર્યો અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલે તેને ટેકો આપ્યો. ઠરાવ બહુ વિગતવાર અને લાંબો હતો. તેમાં મુદ્દાની વાત એ હતી કે કોઈ પણ સત્તાને આપખુદ, જુલ્મી અને મર્દાની હરી લેનારો ઉપયોગ અટકાવવા સારુ બીજા બધા ઉપાય અજમાવી લીધા પછી હથિયારબંધ બળવાની અવેજીમાં સવિનય કાયદા ભંગ એ જ એકમાત્ર સુધરેલો અને અસરકારક ઉપાય છે. માટે ચાલુ સરકારને હિંદુસ્તાનના લોકો પ્રત્યેના કેવળ બિનજવાબદાર સ્થાનેથી ઉતારી પાડવા માટે લોકો એ વ્યક્તિગત અને જ્યાં તે માટે પૂરતી તૈયારી હોય ત્યાં સામુદાયિક સવિનય કાયદાભંગ પણ આદરવો. તે યોગ્ય સાવચેતી રાખીને તથા કારોબારી સમિતિ અથવા પોતાની પ્રાંતિક સમિતિ વખતોવખત જે સૂચનાઓ કાઢે તેને અનુસરીને ઉપાડવામાં આવે. આ માટે ગાંધીજીને કૉંગ્રેસના સરમુખત્યાર નીમવામાં આવ્યા. ગાંધીજીએ આ ઠરાવ રજૂ કરતાં જે ટૂંકું પણ ભવ્ય ભાષણ કર્યું તેમાંનાં નીચેનાં વાક્યો તેમની તીવ્ર વેદનાનાં દ્યોતક છે :

“આ ઠરાવમાં આપણે ઉદ્ધત બનીને યુદ્ધ માગી લેતા નથી. પરંતુ જે સત્તા ઉદ્ધતાઈ ઉપર આરૂઢ થયેલી છે તેને આપણે જરૂર પડકાર આપીએ છીએ. જે સત્તા પોતાનું રક્ષણ કરવા ખાતર વાણીનું અને મંડળો બાંધવાનું સ્વાતંત્ર્ય કચડી નાખવા ઇચ્છે છે — પ્રજાનાં આ બે ફેફસાંને દબાવી દઈને તેને પ્રાણવાયુથી વંચિત કરે છે, તેને તમારી તરફથી હું નમ્ર છતાં અફર પડકાર આપું છું. જો એવી કોઈ સત્તા આ દેશમાં ચાલુ રહેવા ઇચ્છતી હોય તો તેને હું તમારી તરફથી સંભળાવી દઉં છું કે કાં તો તે જમીનદોસ્ત થઈ જશે, કાં તો એ મહાન કાર્ય બજાવતાં હિંદુસ્તાનમાંનાં હરેક નરનારી આ પૃથ્વીના પડ ઉપરથી નાબૂદ થઈ જશે ત્યાં સુધી જંપીને બેસશે નહીં.
“આ ઠરાવમાં દૃઢતા, નમ્રતા અને નિ:શ્ચય એ ત્રણે રહેલ છે. સમાધાનીની મસલતમાં ભાગ લેવાની સલાહ જો હું આપી શકત તો જરૂર એ સલાહ આપત. એક મારો પ્રભુ જાણે છે કે સમાધાની અને શાંતિ મને કેટલી પ્રિય છે. પરંતુ હું ગમે તે ભોગે એ મેળવવા નથી ઇચ્છતો. સ્વમાનને ભોગે હું સમાધાની ન ઇચ્છું. પથ્થરની શાંતિ હું ન માગું. મારે કબ્રસ્તાનની શાંતિ નથી જોઈતી. આખી દુનિયાનાં બાણના વરસાદની સામે ખુલ્લી છાતીએ એકમાત્ર ઈશ્વરને આશરે ફરનારા મનુષ્યના હૈયામાં વસતી શાંતિ મારે જોઈએ છે.”