આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
સરદાર વલ્લભભાઈ


કારણે પરદેશી કાપડ સિવાયના બીજા બહિષ્કારો વિષે આગ્રહ ન રાખવાનું વાતાવરણ પેદા થવા માંડ્યું હતું. એટલે સરદારને લાગ્યું કે હવે શાળાઓ ઉપર નામનો સરકારી અંકુશ આવે છે તેની સુગ રાખવાનો આ વખત નથી. શ્રી વકીલ અને મ્યુનિસિપલ સ્કૂલ્સ કમિટીના સેક્રેટરી શ્રી પ્રાણલાલ દેસાઈ વચ્ચે અવૈધ રીતે વાત થઈ અને ભૂમિકા તૈયાર થઈ એટલે મિ. લૉરી બધું પાકું નક્કી કરવા અમદાવાદ આવ્યા અને મ્યુનિસિપાલિટી સાથે સમાધાન કર્યું. તેને પરિણામે તા. ૧૬-૯-’૨૪થી પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળ તરફથી ચાલતી બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી. મ્યુનિસિપાલિટીએ પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળને જે દોઢ લાખની ગ્રાન્ટ આપી હતી તેમાં કેળવણી ખાતાએ કશો વાંધો ઉઠાવવો નહીં એવું ડિરેક્ટરે કબૂલ કર્યું. મ્યુનિસિપાલિટીના જૂના શિક્ષકો જેઓ મ્યુનિસિપાલિટીની નોકરી છોડી પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળની શાળાઓમાં જોડાયા હતા તેમને ફરી પાછા મ્યુનિસિપાલિટીની નોકરીમાં લેવામાં આવ્યા. સમાધાનની શરતો મુજબ વચગાળાના સમયની તેમની કપાતે પગારે રજા ગણવામાં આવી અને તેમને પ્રમોશનમાં નુકસાની ન ખમવી પડે તેથી લગભગ અઢી વર્ષનો ‘એડવાન્સ ઈન્ક્રીમેન્ટ’ (અગાઉથી પગારવધારો) તેમને આપવામાં આવ્યો.

શ્રી પ્રાણલાલ દેસાઈની બાબતમાં કમિશનર મિ. પ્રૅટ ફરી પાછા ઝળક્યા. એમના પગારનો રૂા. ૨૦૦ થી ૪૦૦ નો ગ્રેડ કમિશનરે મંજૂર કર્યો ન હતો. સમાધાન કરતી વખતે સરદારે આગ્રહ કર્યો કે આ પ્રથમ મંજૂર થવો જોઈએ. અને તે પણ ૧૯૨૧ના માર્ચમાં, જ્યારથી શ્રી પ્રાણલાલ દેસાઈનો સરકારી નોકરીમાં રૂા. ૨૦૦નો પગાર થયો તે તારીખથી મંજૂર થવો જોઈએ. મિ. લૉરીએ જવાબ આપ્યો કે, “તે મંજૂર કરાવી આપવાનું મારે માથે. તમે ફરીથી આ બાબત કમિશનરને લખો.” એનું લખાણ કરવામાં આવ્યું એટલે કમિશનરે ગ્રેડ તો મંજૂર કર્યો પણ ‘સીંદરી બળે છતાં વળ ન મૂકે’ એ ઢબે કમિશનરે મંજૂરીના પત્રમાં લખ્યું કે :

“સ્કૂલ્સ કમિટીના સેક્રેટરીને રૂા. રરપ થી ૪૦૦નો પગાર મને વધારે પડતો લાગે છે. વળી શ્રી દેસાઈએ સરકારી નોકરીનું રાજીનામું આપી હંમેશને માટે મ્યુનિસિપાલિટીની નોકરી સ્વીકારી તે બદલ બક્ષિસ તરીકે તેમને આ પગાર આપવામાં આવે છે એવી મારી માન્યતા હોવાથી સને ૧૯૨૧ માં મેં એ ગ્રેડ મંજૂર કર્યો નહોતો. આજે પણ મારે તો એ જ અભિપ્રાય કાયમ છે. અને તેથી હું પોતે તો એ ગ્રેડ મંજૂર કરવાની વિરુદ્ધ છું. પણ કેળવણી ખાતાના ડિરેક્ટર મને ખાસ આગ્રહ કરે છે કે મારે એ ગ્રેડ મંજૂર કરવો. તેથી એ આગ્રહને વશ થઈ, મારી પોતાની મરજી વિરુદ્ધ એ ગ્રેડ મારે મંજૂર કરવો પડે છે.”