આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
સરદાર વલ્લભભાઈ


ઑક્ટોબરની આખર સુધીનો વખત આપવામાં આવે છે. દરમિયાન કર ભરનારાઓમાંથી કોઈ પણ પોતાને જો એવી સલાહ મળે તો જવાબદાર કાઉન્સિલરો ઉપર દાવો લાવી શકે છે. ત્રણે મ્યુનિસિપાલિટીઓએ આ ઠરાવના લગભગ એકસરખા જ કડક જવાબ આપ્યા.

૧૯૨૧ના ડિસેમ્બરમાં સરકારે ત્રણે મ્યુનિસિપાલિટીઓને ચેતવણી આપી કે કેળવણી ખાતાનો કાબૂ નહીં સ્વીકારવામાં તમે ભૂલ કરેલી હોવાથી તા. ૧૭–૧૨–’૩૧ સુધીમાં તમારે પોતાની ભૂલ સુધારવી. નડિયાદ મ્યુનિસિપાલિટીને લાગ્યું કે, સરકારનો ઇરાદો કોઈ પણ ઉપાયે રાષ્ટ્રીય શાળાઓ તોડી પાડવાનો છે અને બે વચ્ચેની અથડામણમાં બાળકોની કેળવણી બગડશે, એટલે તેણે તા. ૧૬–૧૨–’૩૧ના રોજ બોર્ડનો ઠરાવ કરીને પોતાની શાળાઓ સ્થાનિક રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને સોંપી દીધી તથા મ્યુનિસિપલ ફંડમાંથી તે સમિતિને રૂા. ૨,૫૦૦ની ગ્રાન્ટ આપવાનો ઠરાવ કર્યો. કલેક્ટરે આ ઠરાવને મ્યુનિસિપાલિટીના અધિકાર બહારનો ગણી તેનો અમલ થતો અટકાવ્યો અને ઉત્તર વિભાગના કમિશનરના હુકમથી તમામ મ્યુનિસિપલ શાળાઓનો વહીવટ કેળવણી ખાતાના અમલદારને સોંપાવ્યો અને તેના ખર્ચને માટે રૂા. ૯,૦૦૦ મ્યુનિસિપલ ફંડમાંથી આપવાનો હુકમ કર્યો. મ્યુનિસિપાલિટીની રાષ્ટ્રીય શાળાઓ જે હવે રાષ્ટ્રીય શિક્ષણ સમિતિના કબજામાં આવી હતી તેમાં ડિસેમ્બર આખરે અમદાવાદમાં કૉંગ્રેસ ભરાનારી હોઈ તા. ૧૭ મીથી એક માસની રજા પાડવામાં આવી હતી, એટલે તેનો કબજો તો સરકાર ન લઈ શકી. પણ અત્યાર સુધી જે શાળાઓ સરકારને ખર્ચે ચાલતી હતી તે મ્યુનિસિપલ ફંડમાંથી ચલાવવાની સરકારે ગોઠવણ કરી. સરકારે નવ હજાર રૂપિયા મ્યુનિસિપાલિટી પાસે માગેલા. તે આપવાની મ્યુનિસિપાલિટીએ ના પાડી એટલે મ્યુનિસિપાલિટીની સિલક સરકારની સબટ્રેઝરીમાં હતી તેમાંથી ત્રણ હજારની રકમનો પહેલો હપ્તો મ્યુનિસિપાલિટીને પૂળ્યાગાછ્યા વિના ઉપાડીને કેળવણી ખાતાના અમલદારને સોંપવામાં આવ્યો. સરકારનું આ પગલું મ્યુનિસિપાલિટીનું અપમાન કરનારું હોઈ તેની સામે અણગમો જાહેર કરવા તથા પ્રજામત પોતાની તરફેણમાં છે તેનો વિશેષ પુરાવો રજૂ કરવા મ્યુનિસિપાલિટીના અગિયાર અસહકારી સભાસદોએ ૧૯૨૨ના જાન્યુઆરીમાં રાજીનામાં આપ્યાં. ત્યાર પછી ફેબ્રુઆરીમાં ફરીથી પેટાચૂંટણી થઈ તેમાં લોકમત સ્પષ્ટ જણાઈ આવ્યો. કેળવણીની બાબતમાં સરકારી અંકુશ નહીં રાખવાના મતવાળા એ અગિયાર સભ્યો વગર હરીફાઈએ ચૂંટાઈ આવ્યા.

સને ૧૯૨૨ના એપ્રિલમાં મ્યુનિસિપલ બોર્ડની મુદત પૂરી થતી હોવાથી આખા બોર્ડની સામાન્ય ચૂંટણી નવેસરથી થઈ. તે ચૂંટણીમાં વીસ પ્રજાકીય સભાસદો ચૂંટવાના હતા. તે પૈકી ઓગણીસ સભાસદો અસહકારી કેળવણી