આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત


દીધાં. પણ તેમની જગ્યાએ નવા સભ્યોની ચૂંટણી થાય ત્યાં સુધી તેઓ મ્યુનિસિપાલિટીમાંથી છૂટા થયા નહોતા. નવેમ્બરની અધવચ સુધી તેઓ મ્યુનિસિપાલિટીમાં ચાલુ રહ્યા. સરકારે પોતાના તંત્ર નીચે ચાલતી શાળાઓ મ્યુનિસિપાલિટીને સોંપી દેવાનું કર્યું તે બાબતમાં એક નાની ઝપાઝપી આ ગાળામાં કેળવણી ખાતા અને કલેક્ટર સાથે તેમને થઈ. તા. રપ–૮–’૨૨ના રાજ કલેક્ટરે એક યાદી લખીને મ્યુનિસિપલ પ્રમુખને જણાવ્યું કે, “મેં કેળવણીખાતાના અમલદારને જણાવ્યું છે કે તેમની વ્યવસ્થા નીચે ચાલતી પાંચ નિશાળો તા. ૩૧મીએ તેમણે બંધ કરવી અને તેનો વહીવટ મ્યુનિસિપાલિટીને સોંપી દેવો.” મ્યુનિસિપલ પ્રમુખે ચીફ ઑફિસરને સુચના આપી કે, “કેળવણી ખાતાના અધિકારીએ જે શાળાઓ બંધ કરી છે એ મ્યુનિસિપલ શાળાઓ તો હતી જ નહીં. એટલે એ શાળાઓમાં મ્યુનિસિપાલિટીની માલકીનો જે કાંઈ સરસામાન હોય તેનો ચાર્જ તમારે લઈ લેવો, શાળાઓનો બીજો ચાર્જ આપણે લેવાપણું નથી. ચીફ ઑફિસરે એ પ્રમાણે કેળવણી ખાતાના અધિકારીને લખ્યું. તેનો એણે જવાબ આપ્યો કે, “મારી વ્યવસ્થાપૂરતી એ શાળાઓ બંધ થઈ છે. હવે મ્યુનિસિપાલિટી એને માટે જવાબદાર છે અને મારે કાંઈ કરવાપણું નથી.” એ શાળાઓમાં કામ કરતા શિક્ષકોએ તો વળી તોછડા અને ઉદ્ધત જ જવાબો આપ્યા. એટલે મ્યુનિસિપલ પ્રમુખે ચીફ ઑફિસરને સૂચના આપી કે, “આમ લખાપટ્ટી કર્યા કરવાથી તુમાર લાંબો ચાલશે, માટે પાંચે શાળાઓનાં મકાનોનો કબજો લઈ ત્યાં તાળાં મારી સીલ લગાડી દેવાં અને કેળવણી ખાતાના અધિકારીને લખવું કે સ્કૂલો બંધ કરી કાગળ લખીને ચાર્જ આપવાની તમારી રીત બરાબર નથી, માટે મ્યુનિસિપલ મિલકતનો રીતસરનો ચાર્જ આપવા તમારે બંદોબસ્ત કરવો. માસ્તરો તો બેપરવાઈથી ઉદ્ધત જવાબ આપે છે, માટે સ્કૂલોનાં મકાનોને તાળાં મારવાની અમને ફરજ પડી છે.” આ વસ્તુ તા. ૧૧–૯–’૨૨ના રોજ બની. એ શાળાઓમાં લગભગ પાંચસો બાળકો અને ત્રીસ શિક્ષકો હતા. બાળકોનાં માબાપોને જણાવી દેવામાં આવ્યું કે, “મ્યુનિસિપાલિટીએ પોતાની શાળાઓ સ્થાનિક રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને સોંપી છે. અને તેઓ રાષ્ટ્રીય શાળાઓ ચલાવે છે, તેમાં તમારાં બાળકોને મોકલવાની સગવડ છે.” તે પ્રમાણે મોટા ભાગનાં બાળકો તેમાં ભણવા જવા પણ લાગ્યાં. પણ પેલા શિક્ષકો કામ વિના રખડતા રહ્યા. પછી સરકારે ૮–૧૧–’૨રના રોજ હુકમ બહાર પાડીને નડિયાદના મામલતદારને મ્યુનિસિપાલિટીના પ્રમુખ નીમ્યા અને તેમણે તા. ૧૬મીએ ચાર્જ લઈ એ શાળાઓ ઉઘાડી. આમ લગભગ બે મહિના શાળાઓ બંધ રહ્યા પછી આ પ્રકરણનો અંત આવ્યો.