આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાપિતા


સરદાર ભાંડુમાં પાંચ ભાઈ અને એક બહેન. બુદ્ધિપ્રભાવ અને સ્વભાવ ઉપરથી જોતાં એમ કહી શકાય કે સૌથી મોટા સોમાભાઈ અને સૌથી નાના કાશીભાઈમાં માના ગુણ વધારે ઊતર્યા હશે અને બીજા, ત્રીજા અને ચોથા નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ અને સરદાર, એમનામાં બાપના ગુણ વધારે ઊતર્યા હશે. નરસિંહભાઈ અંગ્રેજી ભણ્યા ન હતા. તેમણે કરમસદમાં ખેડૂત તરીકે જ જીવન પૂરું કર્યું. તેમને વિષે સરદાર ઘણી વાર કહે છે કે, એ અંગ્રેજી ભણ્યા નહીં અને ગામ બહાર નીકળ્યા નહીં એટલે પ્રસિદ્ધિમાં આવ્યા નહીં; બાકી બુદ્ધિપ્રભાવ અને વ્યવહાર કુશળતામાં વિઠ્ઠલભાઈને અને મને તે ક્યાંય ટપી જાય એવા હતા. બહેન ડાહીબા સૌથી નાનાં. તેઓ નામ પ્રમાણે જ બહુ ડાહ્યાં, ઠરેલ અને વિવેકી હતાં. સઘળા ભાઈઓનાં એ બહુ લાડકાં હતાં. સરદારનો એમની ઉપર સવિશેષ પ્રેમ હતો. એ સને ૧૯૧૬ના ફેબ્રુઆરીમાં ગુજરી ગયાં.

માતાપિતાનાં ધર્મપરાયણ અને સંયમમય જીવનનો વારસો સરદારને પૂરતા પ્રમાણમાં મળ્યો છે. સાધારણ પ્રચલિત અર્થમાં સરદારને ભાગ્યે જ કોઈ ધાર્મિક માણસ કહે. પણ એમની અનન્ય શ્રદ્ધા કે જે કાળે અને જે સ્થળે ઈશ્વર આપણને ઉપાડી લેવા ઈચ્છતો હોય છે તેમાં માણસ ગમે તેટલા ધમપછાડા કરે છતાં મીનમેખ ફેરફાર થઈ શકતો નથી અને તેથી મૃત્યુનો જરા પણ ડર નહીં એટલું જ નહીં પણ પ્રાપ્ત સંજોગોમાં શરીર સાચવવા માટે શક્ય તેટલી કાળજી લીધા પછી માંદગી કે મૃત્યુ વિષે બેપરવાઈ; જે કામ હાથમાં લીધું હોય તે પાર પાડવા તનતોડ પ્રયત્ન કર્યા પછી પરિણામ વિષે નિશ્ચિંતતા; જે સાથીઓ ઉપર વિશ્વાસ મૂકો, પછી તે પોતાથી મોટા હોય કે નાના હોય, તેમના ખોળામાં માથું મૂકી દેવાની પૂરેપૂરી તત્પરતા; એ બધું ધર્મપરાયણતામાં ગણાતું હોય તો એવી ધર્મપરાયણતા એમનામાં પૂરેપૂરી છે. ધાર્મિક વૃત્તિના માણસમાં જે સંયમ હોય છે, એનું જે તિતિક્ષામય અને તપોમય જીવન હોય છે એની સરદાર કદી ધાલાવેલી દેખાડતા નથી. છતાં એવા જીવન માટે પ્રયત્ન કરનારા, તે માટે પ્રાર્થના કરનારા અને વિવિધ વ્રતો આચરનારા કરતાં અનાયાસે જ એમનું જીવન ઓછું સંયમમય, તિતિક્ષામય કે તપોમય નથી. આ વસ્તુને હું માતાપિતા તરફથી મળેલો ધાર્મિક વારસો ગણું છું. બહાર દેખાય કે નહીં પણ જીવનમાં ઊંડે ઊંડે ધાર્મિકતા અથવા કોઈ મંગળ સ્વરૂપ એવી અદૃષ્ટ શક્તિ વિષે શ્રદ્ધા, એનો ઝરો વહેતો હોય તો જ નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અને કશી ગણતરી કર્યા વિના શરીરને ઘસી નાખવાની ઉદારતા આવે છે. હા, સરદારની ધાર્મિકતા પ્રચલિત કરતાં જુદા પ્રકારની વિશિષ્ટ સ્વરૂપની ગણાય. પૌરાણિક પરિભાષા વાપરીએ તો એમ કહી શકાય કે સરદાર બ્રહ્મર્ષિ નહીં પણ રાજર્ષિ