આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત


“સુરતની મ્યુનિસિપાલિટીએ સરસ હિંમત બતાવી છે. શહેરીઓને ઘટે છે કે તેઓએ પ્રતિનિધિઓને પૂરેપૂરું જોર આપવું. તમે કેળવણીને સ્વતંત્ર કરી છે એટલું બસ નથી. આખી મ્યુનિસિપાલિટીને સ્વતંત્ર કરવી જોઈએ. એમાં તો જેલ વગેરેનો ભય પણ નથી. એમાં તે માત્ર બાહોશીની, આત્મવિશ્વાસની અને એકબીજાના વિશ્વાસની જરૂર છે. આપણાં પાયખાનાં, આપણા રસ્તા આપણે સાફ રાખીએ, આપણા ગરીબોને આપણે સંભાળીએ, આપણાં માંદાની આપણે સેવા કરીએ, તેને સારુ જોઈતા પૈસા આપણે એકઠા કરીએ અને તેનો શુદ્ધ વહીવટ રાખીએ.
“આમાં સરકાર કે સરકારના કાયદાની જરૂર જ શી હોય ? દુર્ભાગ્યે આપણા પોતાનામાંથી આત્મવિશ્વાસ ખસી ગયો હતો. મહાજન અપ્રામાણિક થઈ ગયાં હતાં. પ્રજા પણ દાંડ થઈ હતી. તેમાં સરકાર ફાવી ગઈ. સુરતના શહેરીઓ સ્વેચ્છાએ પોતે જ નક્કી કરેલા હોય એવા કર મહાજનને આપે, અને મહાજન તેનો વહીવટ પ્રામાણિકપણે પૂરો હિસાબ રાખીને મેં બતાવી તેવી વસ્તુઓમાં કરે તો એ તમારી સ્વતંત્ર મ્યુનિસિપાલિટી થઈ. મહાજનનું બદનામ એટલે આજની મ્યુનિસિપાલિટી. સ્વાધીનતા વેચીને પરાધીનતા વહોરી લેવી એટલે સરકારની મ્યુનિસિપાલિટી.
“મારી ઉમેદ છે કે સુરતના શહેરીઓ પોતાના નિશ્ચય ઉપર મક્કમ રહેશે અને જે કંઈ પણ કર્યું છે તેના કરતાં વિશેષ કરીને સુરતને, ગુજરાતને અને હિંદુસ્તાનને દીપાવશે.”

છેવટે તા. ૨૨-૨-’રરના રોજ મુંબઈ સરકારે પોતાનો ઠરાવ બહાર પાડીને અમદાવાદ અને સુરત એ બંને મ્યુનિસિપાલિટીઓને બરતરફ કરી.

અમદાવાદ અને સુરતની અને ત્રીજી નડિયાડની એમ ત્રણે મ્યુનિસિપાલિટીના અસહકારી સભ્યો સરકારના કાયદાનો અમલદારો જે અર્થ કરે તેને આધીન થવાને બદલે કર ભરનારાની મરજીને અને કર ભરનારાઓના આદેશને માન આપવાનું વધુ પસંદ કરતા હતા, બલ્કે તેમ કરવાને તેઓ પોતાની પવિત્ર ફરજ સમજતા હતા. એટલે બેના સભ્યોએ બરતરફ થવાનું અને ત્રીજીના સભ્યોએ રાજીનામાં આપી તેમાંથી નીકળી જવાનું પસંદ કર્યું.

૧૯૨૨ના એપ્રિલમાં સરકારે સુરત મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને બીજા ત્રીસ કાઉન્સિલરો ઉપર તા. ૪-૭-’૨૧થી તા. ૧૭-૧૨-’૩૧ સુધી સરકારના અંકુશ વિના ચલાવેલી શાળાઓ પાછળ ખર્ચેલા રૂા. ૬૭,૯૦૩–૬–૩ તથા રાષ્ટ્રીય કેળવણી મંડળને ગ્રાન્ટ તરીકે આપેલા રૂા. ૪૦,૦૦૦ મળી કુલ રૂા. ૧૦૭,૯૦૩–૬–૩નો મ્યુનિસિપલ ફંડનો ખોટો અને ગેરકાયદે ઉપયોગ કર્યો છે એમ કહી દાવો કર્યો.

આ મુદ્દત દરમિયાન સરકારે જે શાળાઓ ચલાવી, — તેમાં જોકે વિદ્યાર્થીઓની સંખ્યા આઠસોની જ રહેતી અને મ્યુનિસિપલ શાળાઓમાં લગભગ સાત હજાર રહેતી છતાં — આઠસો વિદ્યાર્થીઓ ઉપર રૂા. ૬૦,૨૮૨ સરકારે ખર્ચ્યા