આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી


હતા. બે તાલુકાઓ વચ્ચે તીવ્ર હરીફાઈ હતી. પોતપોતાના કેસ બન્ને તાલુકાના પ્રતિનિધિઓએ પ્રાંતિક સમિતિની બેઠકમાં ખૂબ જોસભેર રજૂ કર્યા. જોકે તેમાં એકબીજા પ્રત્યે પૂરેપૂરો સદ્‌ભાવ હતો, કડવાશ કે ગુસ્સાનું નામનિશાન નહોતું.

વયોવૃદ્ધ પૂજ્ય અબ્બાસ તૈયબજી સાહેબે આણંદનો કેસ રજૂ કરતાં ગાંધીજીને પ્રેમપૂર્ણ ઉપાલંભ આપતા હોય એવી વાણીમાં અતિશય નમ્રતાથી કહ્યું :

“હવે તમે કહેશો કે કઈ વધારે શરતો અમારે પૂરી કરવાની છે ? આ વખતે અમે તમને જતા કરવાના નથી. તમારી જે શરતો હોય તે સઘળીનું પૂરેપૂરું પાલન કરવા અમે તૈયાર છીએ. પણ તમારી સઘળી શરતો હવે એકસામટી કહી નાખો. તમે કહ્યું કે કરોડ રૂપિયા એકઠા કરો. અમે ગામડે ગામડે ભટકીને લોહીનું પાણી કરી તમને રૂપિયા એકઠા કરી આપ્યા કે નહીં? તમે કહ્યું કે ખાદી લાવો. તેની ખાતરી મારી સામે જોઈને કરી લો. આટલી ઉંમરે તમારી એ વાત પણ માની. રેંટિયા અને ખાદી માટે લોકોને ઘેર ઘેર ભટકીને મારાં તો હાડકાં અને પાંસળાં ઢીલાં થઈ ગયાં છે. હવે તમે જાતે આવી અમારાં ગામડાં જોઈ લો. હજી કાંઈ બાકી રહેતું હોય તે કહી નાખો. પણ બાબા, પાછળથી કાંઈ નવો તુક્કો કાઢી અમારી આશાઓ અને ઉત્સાહ ઉપર પાણી રેડો તે નહીં ચાલે.”

પોતાની કાલી કાલી ગુજરાતી ભાષામાં આવું બધું કહી બુઝર્ગ અબ્બાસ સાહેબે છેવટે જણાવ્યું કે :

“સત્યાગ્રહનો વાવટો પ્રથમ ખેડા જિલ્લામાં ફરકે છે અને તેને અંગે આણંદ તાલુકાના લોકોને સત્યાગ્રહની તાલીમ મળેલી છે. એટલે સામુદાયિક સત્યાગ્રહ માટે પસંદગીમાં પ્રથમ આવવાનો તેને ખાસ હક્ક અને અધિકાર છે.”

બારડોલીનો કેસ શ્રી કલ્યાણજીભાઈ એ પોતાની છટાદાર ઢબે રજૂ કર્યો. તેમણે એ દલીલ રજૂ કરી કે :

“અંગ્રેજો હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે પ્રથમ સુરત બંદરે ઊતર્યા. સુરતમાં તેમણે પોતાની પહેલી કોઠી સ્થાપી અને સુરતમાંથી જ તેમણે ધીમે ધીમે પોતાના પંજા પહોળા કરી આખા હિંદુસ્તાનમાં પોતાની હકૂમત જમાવી. એટલે હવે તેમને જ્યારે વિદાયગીરી આપવી છે ત્યારે એ સુરતમાંથી જ મળે એ સઘળી રીતે યોગ્ય છે.”

આ ચર્ચાને અંતે તૈયારીની દૃષ્ટિએ બંને તાલુકાની યોગ્યતા સ્વીકારવામાં આવી અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે ગાંધીજી સરદારની સાથે બંને તાલુકામાં – પ્રથમ બારડોલીમાં અને પછી આણંદમાં ફરે અને બંને તાલુકાની તૈયારી જાતે જોઈ સામુદાયિક સત્યાગ્રહ કયા તાલુકામાં શરૂ કરવો એનો નિર્ણય એ બે મળીને કરે.