આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫
ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી


તા. ૨૫મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આ બાબત વિચાર કરવા મહાસમિતિની બેઠક થઈ તેમાં કારોબારી સમિતિનો બારડોલીનો ઠરાવ થોડાક ફેરફાર સાથે પસાર થયો. પણ ગાંધીજીએ જોયું કે એ ઠરાવ મહાસમિતિના બહુ ઓછા સભ્યોને ખરેખર ગમ્યો હતો. ગાંધીજીને મત મળ્યા તે એમને પોતાને ખાતર મળ્યા હતા. એમના અભિપ્રાય તથા વિચારની સત્યતા સ્વીકારીને સભ્યોએ એમને મત નહોતા આપ્યા તેથી એમને બહુ દુઃખ અને નિરાશા થયાં. પણ લોકોને અને બીજા નેતાઓને જુદાં કારણસર એમના કરતાં પણ વધારે દુ:ખ અને નિરાશા થયાં હતાં. બારડોલીના લોકોની નાસીપાસીનો પાર ન હતો. ત્યાંના સ્વયંસેવકોએ એક વરસ થયાં રાત કે દિવસ જોયા વિના રખડી રખડીને આખા તાલુકાને તૈયાર કર્યો હતો. ખેડા જિલ્લા અને ખાસ કરીને આણંદ તાલુકો, એને ભલે સામુદાયિક ભંગને લહાવો ન મળે પણ તેઓ વ્યકિતગત સવિનય ભંગ તો કરવાના હતા અને તે માટે તેમને મંજૂરી પણ મળી હતી. તે માટે જિલ્લામાંથી ઘણાએ જમીન મહેસૂલ નહોતું ભર્યું. તેમને એ રીતે નિરાશા થઈ. પણ આ લોકોને ગાંધીજી ઉપર અનન્ય શ્રદ્ધા હતી. એટલે એમનો બોલ તેમણે ઉપાડી લીધો અને એમની સલાહ પ્રમાણે રચનાત્મક કામમાં, ખાસ કરીને ખાદીમાં તેઓ લાગી ગયા. પણ મોટા રાજદ્વારી નેતાઓ અને રાજદ્વારી લડતના રસિયા જુવાનિયાઓને ગાંધીજીની આ વાત સમજવી વસમી હતી. તેમને એમ લાગતું હતું કે દેશના કોઈ પણ ભાગમાં હિંસક તોફાન થાય તો સામુદાયિક સવિનય ભંગની લડત અટકાવી દેવામાં આવે એ શરતે તો સામુદાયિક સવિનય ભંગ કોઈ દિવસ થઈ જ ન શકે. એવાં બે ચાર તોફાન તો યુતિપ્રયુક્તિ કરીને આપણા વિરોધીઓ અને સરકાર પણ ગમે ત્યાં અને ગમે ત્યારે ઊભાં કરી શકે. આપણે પ્રજા ઉપર ગમે તેટલો કાબૂ જમાવીએ તોપણ પ્રજામાં એવાં તત્ત્વો તો રહે જ, જેઓની પાસે સહેજે આવાં તોફાન કરાવી શકાય. લાલા લજપતરાય, પંડિત મોતીલાલ નેહર, વગેરે નેતાઓ જેઓ જેલમાં હતા તેમને ગાંધીજીના નિર્ણયથી બહુ આઘાત પહોંચ્યો. તેઓ ચિડાયા અને દિલ્હીની મહાસમિતિની બેઠક પહેલાં ગાંધીજીને કાગળ લખ્યો કે, આ નિર્ણય દેશને ભારે નુકસાન પહોંચાડશે, લોકો હિંમત હારી જશે અને દેશની તથા કૉંગ્રેસની આબરૂને મોટો ધક્કો પહોંચશે. જેલની અંદરના અને બહારના ઘણાને એમ લાગતું હતું કે, જે ઘડીએ આપણી સ્થિતિ ઘણી મજબૂત હતી, સરકારના દમનની લોકો ઉપર કશી જ અસર થતી નહોતી, એકેએક મોરચા ઉપર આપણો વિજય થતો જ દેખાતો હતો, વાઈસરૉયે પોતે જાહેરમાં કહ્યું હતું કે સરકાર મુંઝાઈ ગઈ છે અને ગૂંચવાડામાં પડી છે, તે ઘડીએ લડત મોકૂફ રાખવામાં ગાંધીજીએ ભૂલ કરી.