આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
ગાંધીજીની ગિરફતારી પછી


જેલમાંથી બહાર આવતાં જ પોતાનો જૂનો વિચાર તેમણે જાહેર કર્યો કે ધારાસભાઓની બહાર રહીને આપણે તેને તોડી શકીશું નહીં, પણ અંદર જઈ ને તોડવી જોઈએ. સવિનય ભંગ તપાસ સમિતિએ તા. પ-૧૧-’૨૨-ના રોજ પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો. દેશ મોટા પાયા ઉપરના સામુદાયિક સવિનય ભંગ માટે અત્યારે તૈયાર નથી એ અભિપ્રાયમાં બધા સભ્યો એકમત થયા. જોકે તેમણે વિશેષમાં જણાવ્યું કે દેશના કોઈક ભાગમાં અમુક એક કાયદો તોડવાની કે અમુક એક કર આપવામો ઈનકાર કરવાની જરૂર ઊભી થાય અને લોકોની તેને માટે તૈયારી હોય તો આવા મર્યાદિત સામુદાયિક સવિનય ભંગને પોતાની જવાબદારી ઉપર મંજૂરી આપવાની પ્રાંતિક સમિતિઓને સત્તા આપવી. ધારાસભાપ્રવેશ બાબત તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડ્યા. હકીમ સાહેબ અજમલખાનજી, પંડિત મોતીલાલજી અને શ્રી વિઠ્ઠલભાઈ ધારાસભામાં જઈને તેના કામકાજમાં અડચણ નાખી તેને તોડવા પ્રયત્ન કરવાના મતના હતા અને ડૉ. અનસારી, શ્રી રાજાજી તથા શ્રી કસ્તૂરી રંગ આયંગર ધારાસભા બહિષ્કારના કૉંગ્રેસના કાર્યક્રમમાં કશો ફેરફાર ન કરવો એ મતના હતા. દેશબંધુ દાસ આ સમિતિના સભ્ય નહોતા. ગયા કૉંગ્રેસના વરાયેલા પ્રમુખ તરીકે તેઓ તટસ્થ રહે એવી અપેક્ષા રહે છતાં તેમણે જાહેર નિવેદન કાઢી ધારાસભા પ્રવેશની તરફેણમાં પોતાનો અભિપ્રાય જણાવ્યો અને ત્યાં જઈને નિરપવાદ પ્રતિરોધ જ કરતા રહીએ તો તેમાં અસહકારના સિદ્ધાંતનો કશો ભંગ થતો નથી એવી દલીલ કરી. પછી તા. ૨૦-૧૧-’૨રના રોજ કલકત્તામાં કૉંગ્રેસ કારોબારી તથા મહાસમિતિની બેઠકો થઈ તેમાં આ રિપોર્ટ રજૂ થયો. કારોબારીમાં પાછા ધારાસભા પ્રવેશ અને તેની વિરુદ્ધમાં સરખા મત થયા. મહાસમિતિની બેઠકમાં પહેલે જ દિવસે સરદાર ઠરાવ લાવ્યા કે, તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ બહાર પાડતાં બહુ વાર લગાડી છે અને ગયાની કૉંગ્રેસ હવે પાસે આવી માટે રિપોર્ટ ઉપરનો નિર્ણય તેના પર છોડવો. છતાં ચાર દિવસ સુધી ચર્ચા કરીને છેવટે એ નિર્ણય જ મહાસમિતિને કરવો પડ્યો.

રાજાજીએ પોતાનો અંગત ખુલાસો બહાર પાડ્યો કે :

“મારી અંતરની માન્યતા છે કે જો કૉંગ્રેસ કોઈ પણ રૂપમાં ધારાસભા પ્રવેશનો સ્વીકાર કરે તો અસહકારનો અંત જ આવે. એકમતી કરવાની ખાતર મારાથી એ અંતરની માન્યતાને કેમ જતી કરી શકાય ? હકીમ સાહેબ અને પંડિતજીનો હું અનુયાયી બનું એનાથી મારું ધન્યભાગ્ય બીજું શું હોય ? પણ આ બાબત પરની મારી માન્યતા દાબી રાખવી ઉચિત છે એવું મારા અંતરાત્માનું હું સમાધાન ન કરી શક્યો.”